
ભારતીય જનતા પાર્ટીએ આજે તેનો 46મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓને આડે હાથે લીધા હતા અને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.
” વિપક્ષે આપણને હેરાન કરવામાં કશુંય બાકી રાખ્યું નથી. આપણે વિચારી છીએ તેના કરતાં વધારે હેરાન તેઓ કરી શકે છે. પણ તેઓ આપની વિચારધારા અને સંસ્કૃતિને બદલી શક્યા નથી. આપણે વિકાસ કરવો છે પણ વિરાસતના ભોગે નહીં. આપની જે વિરાસત છે, સંસ્કૃતિ છે, એ પકડી રાખીને આપણે આગળ વધવું છે. અને માટે જ આપણે દરેક પરિસ્થિતમાં આગળ જ વધતાં રહ્યા છીએ.”
ગુજરાતમાં ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જૂના સમયમાં પાર્ટી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી, જે નવા કાર્યકરોને કદાચ ખબર નહીં હોય. વિપક્ષે ઘણી હેરાનગતિ કરી હોવા છતાં ભાજપ હંમેશા આગળ વધ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીનો આધાર જુસ્સો અને રાષ્ટ્ર પ્રથમની ભાવના છે. માત્ર 2 બેઠકો હોવા છતાં પણ પાર્ટીએ હાર માની નહોતી. પ્રધાનમંત્રીના વિકાસ મોડલને કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ભાજપ હંમેશા પ્રજાના હિતમાં કામ કરે છે અને ખામીઓ શોધનારાઓને જવાબ કામથી જ આપે છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક સમય એવો હતો કે જનસંઘમાં કાર્યકર્તાઓની અછત હતી, “દીવો લઈને ગોતવા જવું પડે એટલા કાર્યકર્તાઓ હતા” પરંતુ આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની છે અને સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે અનેક કાર્યકર્તાઓ પોતાના પરિવારને છોડીને પણ પાર્ટીની સેવા કરે છે અને તેમની મહેનતથી જ પાર્ટી આ ઊંચાઈએ પહોંચી છે.ભાજપની સફર અંગે વાત કરતાં નેતાઓએ જણાવ્યું કે 1951માં જનસંઘની સ્થાપના થઈ ત્યારે પાર્ટી પાસે રાજકીય અનુભવ અને સગવડો નહોતા છતાં દેશસેવાના સંકલ્પ સાથે સફર શરૂ થઈ. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં જનસંઘે પોતાની હાજરી નોંધાવી હતી. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશ માટે જેલવાસ ભોગવી શહાદત વ્હોરી હતી. જે પાર્ટી માટે પ્રેરણાસ્ત્રોત છે. 1975માં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે પાર્ટીએ સંઘર્ષ કર્યો અને ત્યારબાદની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી લોકશાહી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 1984માં ભાજપે પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી હતી અને માત્ર 2 બેઠકો જીત્યો હતો, જેમાં મહેસાણા બેઠકનો સમાવેશ થતો હતો. આજે ભાજપ “શાન અને સમૃદ્ધ ભારત”નું પ્રતિક બની છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભાનું બેરિયર તોડીને કાર ઘુસી:યુપીની નંબર પ્લેટ, VIP ગેટથી એન્ટ્રી કરી
