Site icon Time News

Gandhinagar: CM ભુપેન્દ્ર પટેલે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડતાં ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા

ગાંધીનગરમાં સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મૂક-બધિર શિશુ વિદ્યામંદિર દ્વારા 8મો દિવ્યાંગ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રભુતામાં પગલાં પાડતા ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરંગભાઇ વ્યાસ, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને પૂર્વ મેયર હિતેશભાઇ મકવાણા તથા સેવાવ્રતીઓ અને નવદંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મંત્રી અને યુવા અગ્રણી નિશિથ વ્યાસે મુખ્યમંત્રી અને અન્ય મહેમાનોને આવકારીને સ્વાગત પ્રવચનમાં આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવના સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિવ્યાંગ જનોને સહાયરૂપ થઈને તેમને સ્વમાનભેર જીવતા કરવા માટે તેમની પડખે ઉભા રહેવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સંત સૂરદાસ યોજના અન્વયે લાભ મેળવવા માટેની દિવ્યાંગ પાત્રતા ૮૦ ટકાથી ઘટાડીને ૬૦ ટકા કરવાની જાહેરાત રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા આ વર્ષના બજેટમાં કરી છે. આના પરિણામે વધુ ૮૫ હજાર જેટલા દિવ્યાંગ જનોને વાર્ષિક ૧૨ હજારની સહાય સંત સૂરદાસ યોજનામાં મળતી થશે. આ હેતુસર ૧૭૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

ઉપરાંત, સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ૧૯૮૪થી સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર શાળાનું સંચાલન કરે છે અને ૧ થી ૧૦ ધોરણમાં ૨૩૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના સેવાકાર્યની પ્રસંશા કરી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના વિવિધ વર્ગોના દાતાઓ, શ્રેષ્ઠીઓ તથા સંપન્ન વેપાર તથા ઉદ્યોગકારોએ નવદંપત્તિઓને ઘર વપરાશ માટે રાચ-રચીલું અને કપડાં વગેરે ભેટ આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ સખાવતીઓની સમાજ સેવા-ભાવનાને પણ બિરદાવી હતી.

આ પણ વાંચો, Bomb blast in Pakistan: પાકિસ્તાનમાં જામિયા હક્કાનીયા મદરેસામાં સુસાઇડ એટેક,તાલિબાનના સ્થાપક મૌલાના હક્કાનીના પુત્રની હત્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version