Site icon Time News

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે બબાલ, પથ્થરમારો થતા પોલીસ આવી એક્શનમાં

વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ થતાં મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક દખલગીરી કરીને પરિસ્થિતિને શાંત પાડી હતી. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક  મેસેજને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. AI આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો, અને જોતજોતામાં મામલો ગરમાયો. પરિણામે, બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ.

આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધાં અને મામલાને શાંત પાડ્યો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી.

ઘટના બાદ, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસની સજાગતા અને સમયસરની કાર્યવાહીથી શહેરની શાંતિ ફરીથી સ્થાપિત થઈ છે.

આ પણ વાંચો, મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘાન્સોલી અને શિલફાટા વચ્ચે ૫ કિ.મી.નો ટનલ પૂર્ણ થયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version