Site icon Time News

અમદાવાદમાં AMTS અને BRTS ડ્રાઈવરો વચ્ચે માથાકૂટ: ઈસ્કોન ક્રોસ રોડ પર મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવાયા!

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા ઈસ્કોન ક્રોસ રોડ નજીક જાહેર પરિવહન સેવાને મોટી અસર પહોંચી હતી. ઈસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા BRTS કોરિડોરમાં AMTS અને BRTS બસના ડ્રાઈવરો વચ્ચે ઉગ્ર માથાકૂટ થવાના કારણે ટ્રાન્સપોર્ટ સુવિધા અચાનક અટકી પડી હતી. આ ઘટનાને કારણે રસ્તા પર વાહનવ્યવહાર અને જાહેર પરિવહનના પૈડાં થંભી ગયા હતા.

આ ઘટના પાછળનું મુખ્ય કારણ AMTS બસ ચાલકની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. BRTS કોરિડોરમાં AMTS બસના ચાલકે રોંગ સાઈડમાં આવીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જ્યારે BRTS બસના ડ્રાઈવરે તેને ઠપકો આપ્યો, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી વધતાં AMTS બસનો ડ્રાઈવર પોતાની બસને BRTS કોરિડોરમાં જ મૂકીને ત્યાંથી રવાના થઈ ગયો હતો.

AMTS ડ્રાઈવર બસ મૂકીને જતો રહેતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયેલા BRTS બસના ડ્રાઈવરોએ અન્ય બસોને પણ ત્યાં જ રોકી દીધી હતી. એટલું જ નહીં, બસની અંદર બેઠેલા મુસાફરોને પણ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરોના આ અણછાજતા વર્તનને કારણે સવારના સમયે નોકરી-ધંધે કે કામઅર્થે જતા નિર્દોષ મુસાફરો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જાહેર રસ્તા પર અને કોરિડોરમાં ચક્કાજામની પરિસ્થિતિ સર્જાતાં જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMTS અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) ના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Exit mobile version