
અમદાવાદમાં ઍર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રૅશ થવાની દુ:ખદ ઘટના બાદ સિવિલ હોસ્પિટલે પીડિતોને ઝડપી, સુચારુ અને સંવેદનશીલ તબીબી સંભાળ પૂરી પાડીને ઇમરજન્સી રિસ્પોન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિમાન ક્રૅશ પછીની કટોકટીની ક્ષણોને યાદ કરતાં મૅડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ તેમની કારકિર્દીની સૌથી પડકારજનક પરિસ્થિતિ હતી, જેનું હોસ્પિટલ સ્ટાફના ટીમવર્ક અને તૈયારીને કારણે યોગ્ય સંચાલન થઈ શક્યું.
લંડન જતી ઍર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171, જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા, તે 12 જૂનના રોજ ક્રૅશ થઈ હતી. આ દુ:ખદ ઘટનામાં એક વ્યક્તિ સિવાય તમામના મૃત્યુ થયા હતા અને વિમાન જ્યાં તૂટ્યું એ સ્થળ પર 29 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. ઘટનાસ્થળથી માંડ એક કિલોમીટરના અંતરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હતી, જેણે ઇમરજન્સી મૅડિકલ રિસ્પોન્સમાં મુખ્ય ભૂમિકા ભજવી.
ડૉ. રાકેશ જોશીએ આ દુર્ઘટના બાદ કટોકટીની ક્ષણો યાદ કરતાં જણાવ્યું હતું કે, “પહેલો દર્દી એક દાઝી ગયેલ સીઆરપીએફ જવાન હતો, જેને તાત્કાલિક સારવાર મળી અને ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. તેમણે કહ્યું કે, “મને આ દુર્ઘટનાનો મેસેજ મળતાં જ હું ઓપરેશન થિયેટર છોડીને ટ્રોમા સેન્ટર ગયો અને તરત જ મારા અસિસ્ટન્ટને દરેક ઉપલબ્ધ ડૉક્ટર, નર્સ અને સપોર્ટ સ્ટાફને હાજર થાય તે માટે સૂચના આપી.”
દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ વહીવટીતંત્રે ઝડપથી ગ્રીન કોરિડોર બનાવ્યો અને દરેક દર્દી માટે ચાર નિષ્ણાતો – EMD, ઓર્થોપેડિક્સ, ન્યુરોસર્જરી અને જનરલ સર્જરીની ટીમો નિયુક્ત કરી. ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, “શરૂઆતમાં દર્દીઓ જીવંત સ્થિતિમાં આવી રહ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગંભીર રીતે દાઝી ગયેલા અને મૃત દર્દીઓ આવવા લાગ્યા. 30 મિનિટની અંદર, મુખ્ય સચિવ (આરોગ્ય) શ્રી ધનંજય દ્વિવેદી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રિયલ ટાઇમ માર્ગદર્શન અને સંકલન પૂરું પાડવા માટે હોસ્પિટલ પહોંચ્યા. આ ઉપરાંત, તાત્કાલિક દર્દી સંભાળ માટે ત્રણ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા અને છ ટ્રોમા મેનેજમેન્ટ ઝોનમાં 40 સ્ટાફ સભ્યોને તૈનાત કરવામાં આવ્યા હતા.”
હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને જરૂરી સંભાળનું સ્તર નક્કી કરવા માટે ઝડપી તપાસની કામગીરી કરવામાં આવી. દાઝી ગયેલા લોકોને બર્ન યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય દર્દીઓ માટે યુદ્ધના ધોરણે સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ‘ગોલ્ડન અવર’, એટલે કે આઘાતજનક ઘટના પછીનો પ્રથમ મહત્વપૂર્ણ કલાક કે જે બચવાની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે, આ ગોલ્ડન અવરમાં સરળ અને સતત સારવાર સુનિશ્ચિત કરવા માટે મેડિકલ સ્ટોર્સ સાથે તબીબી પુરવઠો અગાઉથી સંકલિત કરવામાં આવ્યો હતો.
મેડિકલ કોલેજનું બિલ્ડીંગ કે જ્યાં 60-70 વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા, ત્યાં પ્લેન ક્રેશથી ભારે નુકસાન થયું અને જાનમાલની હાનિ ઉપરાંત ભારે ભાવનાત્મક નુકસાનની સ્થિતિ પણ સર્જાઈ હોવા છતાં, હોસ્પિટલની ટીમે અસાધારણ શિસ્ત સાથે કામ કર્યું. ડૉ. જોશીએ જણાવ્યું કે, “અમે અમારી તમામ શક્તિઓ કામે લગાડીને પ્રત્યેક કેસની સારવાર કરી. આ ખરેખર ટીમવર્ક હતું.”
ઇમરજન્સી કેર ઉપરાંત, હોસ્પિટલે દર્દીઓ અને તેમના પરિવારજનોની ભાવનાત્મક સુખાકારી પર પણ ધ્યાન આપ્યું હતું. દર્દીઓના પરિવારજનોનો સક્રિય રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના પ્રિયજનોની સ્થિતિ અંગે તેમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા. ગભરાટની પરિસ્થિતિને કાબૂમાં લેવા અને પરિવારજનોને માનસિક સહયોગ પૂરો પાડવા માટે કાઉન્સેલરોને તૈનાત કરવામાં આવ્યા હતા.
પોતાના સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ડૉ. જોશીએ જણાવ્યું કે, “ડોક્ટરોથી લઈને પેરામેડિક્સ સુધી, નર્સથી લઈને સપોર્ટ ટીમ સુધી, તમામ લોકો એકસાથે ઊભા હતા. અમને ખબર નહોતી કે કેટલા દર્દીઓ આવશે, પરંતુ અમે સુનિશ્ચિત કર્યું હતું કે કોઈની પણ સારવાર અટકે નહીં અને કોઈપણ જીવનની ઉપેક્ષા ન થાય. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ પડકાર હતો- પરંતુ અમારી હોસ્પિટલ આ પરિસ્થિતિમાં અડીખમ ઊભી રહી.”
આવી અણધારી અને મુશ્કેલ પરિસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની નોંધપાત્ર કામગીરી ગુજરાતની આરોગ્ય સંભાળ માટેની સજ્જતા અને રાષ્ટ્રીય દુર્ઘટનાની ક્ષણોમાં જીવન બચાવવા માટેની તેની કરુણાપૂર્ણ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ પણ વાંચો, Horoscope: સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ, આ રાશિના જાતકોનો દિવસ જશે આનંદમય, જુઓ રાશિ ભવિષ્ય
