Site icon Time News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદ મહાનગરમાં વૃક્ષારોપણના મહાઅભિયાનની શરૂઆત કરાવી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનના શુભારંભ કરાવ્યો હતો.

શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્રોતોની સચોટ માહિતી મેળવવા માટે મોબાઇલ સોર્સ અપોર્શનમેન્ટ ખાસ મોબાઈલ લેબોરેટરીને મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આ સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ (મોબાઈલ રીયલ-ટાઈમ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી) નો મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ફેલાવતા મુખ્ય સ્રોતોની વૈજ્ઞાનિક તપાસ કરવી અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાંવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો.

વધતી શહેરી વસતી અને ઝડપી શહેરીકરણને કારણે શહેરોમાં હીટ આઇલેન્ડ ઇફેક્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પરિણામે 40થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ગરમીનો અનુભવ વધુ સમય સુધી રહેતો હોય છે. સામાન્ય સંજોગોમાં ગરમીની અસર 1થી 2 કલાકમાં ઓછી થઈ જતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં તેની અસર 3થી 4 કલાક સુધી અનુભવાય છે. આ પડકારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી ‘મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણના આંકડા પણ નોંધપાત્ર છે. વર્ષ 2019-20 દરમિયાન 11,66,387 વૃક્ષો, વર્ષ 2020-21 દરમિયાન 10,13,856 વૃક્ષો, વર્ષ 2021-22 દરમિયાન 12,82,014 વૃક્ષો, વર્ષ 2022-23 દરમિયાન 20,75,431 વૃક્ષો, વર્ષ 2023-24 દરમિયાન 20,05,795 વૃક્ષો, વર્ષ 2024-25 દરમિયાન 30,13,151 વૃક્ષો તથા વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 41,16,715 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ (વૃક્ષારોપણ) અંતર્ગત આ વર્ષે શહેરમાં ૫૦ લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા આ સંદર્ભમાં ચાંદખેડા ખાતે વૃક્ષા રોપણ કરાયું હતું.

અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા માટે એર ક્વોલિટી વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી હવાના ગુણવત્તા સૂચકાંકમાં સુધારો લાવી શકાય. વિવિધ PPP, CSR અને CER સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા વૃક્ષોના જતન અને વિસ્તરણ માટેના એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.

શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, જાહેર સ્થળો, બગીચાઓ તેમજ ઉપલબ્ધ ખુલ્લી જગ્યાઓમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના નાગરિકોને પણ આ અભિયાન સાથે જોડવા માટે AMC સેવા મોબાઇલ એપ્લિકેશન મારફતે ‘ગ્રીન વોલન્ટિયર’ અને ‘મેમોરિયલ પાર્ક’ જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે. રહેણાંક સોસાયટીઓને ‘ગ્રીન સોસાયટી’ તરીકે વિકસાવવા માટે પણ વિશેષ અભિયાન હાથ ધરાશે. નાગરિકો પોતાના ઘરે કે સોસાયટીમાં વૃક્ષારોપણ કરવા ઇચ્છતા હોય તો AMC સેવા એપ પર નોંધણી કરાવી શકશે, ત્યારબાદ AMCની ટીમ દ્વારા નિઃશુલ્ક વૃક્ષારોપણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પોતાની સોસાયટી કે ઘર આંગણે વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં નાગરિકો QR કોડને સ્કેન કરીને અથવા AMC સેવા એપ (AMC SEVA APP) પર રજિસ્ટ્રેશન કર્યા બાદ AMCની ટીમ ઘરે આવીને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપશે.

આ અવસરે ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ 2026’ અભિયાન અંતર્ગત પી.પી.પી, સી.એસ.આર અને સી.ઇ.આર જેવી 9 સંસ્થાઓ સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય સર્વેશ્રી અમિતભાઈ શાહ, જીતુભાઈ, અલ્પેશ ઠાકોર, હસમુખ પટેલ, હર્ષદ પટેલ, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર શ્રી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલ મિશ્રા સહિત કોર્પોરેટરોશ્રીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રી, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત કરી, સાંજે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે

Exit mobile version