
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ સાથે હિંમતનગરમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા માસૂમોના મોતથી આંક પાંચ પર પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, પોશીના તાલુકાના સરહદી વિસ્તારમાંથી બે વર્ષની બાળકીને 9 જુલાઈના રોજ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
જો કે, રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં બાળકીનો જીવ બચાવી શકાયા ન હતા.મૃતક બાળકી મૂળ રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેને પોશીના વિસ્તારમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હાલ બાળકીના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી તપાસ અને દેખરેખ રાખી રહ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની નાની માખીના કરડવાથી ફેલાય છે. કાચા મકાનો અને ભેજવાળા વિસ્તારોમાં આ માખીનું પ્રમાણ વધુ જોવા મળતું હોવાથી આવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વાલીઓને બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં લઈ જવા અપીલ કરવામાં આવી છે.
ચાંદીપુરાના દર્દીઓ સામે આવતા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત દર્દીઓના સ્વજનો સાથે વાતચીત કરીને જરૂરી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
