Site icon Time News

ગુજરાતમાં વધુ બે બાળકીઓના મોત સાથે મૃત્યુઆંક 27 પર પહોંચ્યો! મોતના વાયરસે મચાવ્યો હાહાકાર, ગાંધીનગરમાં ચિંતાજનક સ્થિતિ!

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સંક્રમણ અને તેનાથી થતા મોતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મહીસાગર જિલ્લાના કડાણા ખાતે એક 7 વર્ષીય બાળકીનું તેમજ ગાંધીનગરના સોનીપુરામાં પણ એક 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે કરૂણ મોત નિપજ્યું છે. આ નવા કિસ્સાઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓની કુલ સંખ્યા 27 સુધી પહોંચી ગઈ છે.

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત બની રહ્યો હોય તેમ જણાાઈ રહ્યું છે. સોનીપુર ગામના સીમ વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીને ગત 6 ઓગસ્ટે અચાનક ખેંચ આવવા સાથે મગજના તાવના લક્ષણો દેખાયા હતા. સ્થિતિ ગંભીર જણાતાં તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સારવાર દરમિયાન બાળકીના લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. હોસ્પિટલમાં પાંચ દિવસની સઘન સારવાર આપવા છતાં બાળકીનો જીવ બચાવી શકાયો ન હતો. ગાંધીનગર જિલ્લામાં આ વાયરસથી આ ત્રીજું મોત છે. આ અગાઉ કલોલના જાસપુરમાં અઢી વર્ષના બાળકનું અને માણસાના ચરાડામાં 4 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યું છે. સતત ત્રીજા બાળકના મોતથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.

સોનીપુરમાં બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે સોનીપુર અને આસપાસના સીમ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને અન્ય બાળકોમાં તાવ કે ખેંચ જેવા લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેન્ડફ્લાય (રેતીની માખી)ના ઉપદ્રવને રોકવા માટે દવાનો છંટકાવ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Exit mobile version