Site icon Time News

ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, હિંમતનગરમાં 1 અને ગોધરામાં 2 બાળકોનાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતાં આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ તેમજ પોઝિટિવ કેસોની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને સારવારની કામગીરી વધુ તેજ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોનાં મોત નોંધાયા છે, જ્યારે વધુ એક બાળક હાલમાં સારવાર હેઠળ છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકોમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. મૃતકોમાં ગોધરા વિસ્તારના બે બાળકોનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, રાજસ્થાનના એક બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.

બીજી તરફ વિસનગરના એક બાળકમાં પણ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ પ્રશાસન બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે.રાજ્યના આરોગ્ય વિભાગે સંભવિત સંક્રમણને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કર્યું છે. શંકાસ્પદ દર્દીઓની ઓળખ, આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સાથે જ લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોમાં તાવ, બેભાનપણું, આંચકા અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

Exit mobile version