
તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ CAPACITY BUILDING COMMISSION ના ચેરપર્સન સુશ્રી રાધા ચૌહાણ, IAS એ ગુજરાતની મુલાકાત લીધેલ. તેઓની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ માન. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખ અઢિયા તથા સ્પીપાના મહાનિદેશકશ્રી હારીત શુક્લા સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરીને ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓના કેપેસીટી બિલ્ડીંગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરેલ.
વધુમાં, અન્ય રાજ્યોમાં કેપેસીટી બિલ્ડીંગ સંદર્ભે થયેલ વિવિધ પ્રયોગો સંદર્ભે ચર્ચા કરી ગુજરાત દ્વારા હાથ ધરાયેલ વિવિધ કાર્યક્રમો સંદર્ભે માહિતી મેળવેલ હતી. ગુજરાત ખાતે હાથ ધરાયેલ વર્ગ- ૩ અને વર્ગ-૪ માટેના કર્મયોગી પ્રશિક્ષણ મહાભિયાનને ગુજરાત સરકારની વિશેષ પહેલ જણાવી આ નવીન પહેલને બિરદાવેલ હતી તથા જણાવેલ હતું કે, ગુજરાત સરકાર અને સ્પીપાના કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્રયાસો અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની શકે તેમ છે.
સુશ્રી રાધા ચૌહાણ, IAS ની સ્પીપા ખાતે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ, જે મુલાકાત દરમિયાન સ્પીપા, અમદાવાદ ખાતે ચાલતી વિવિધ તાલીમી પ્રવૃત્તિઓ અંગે, કર્મયોગી પ્રશિક્ષણ મહાભિયાન અંગે તથા સ્પીપા ખાતે યોજાયેલ સ્પેશીઅલ ફાઉન્ડેશન કોર્સ અંગે માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત, ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા આપવામાં આવેલ રીપોર્ટસમાં રાજ્ય સરકારને કરવામાં આવેલ ભલામણોની પણ ચર્ચા કરવામાં આવેલ.
રાજ્યની ઉચ્ચતમ તાલીમ સંસ્થા સ્પીપા ખાતે ચાલતી એક્રેડીટેશનની પ્રક્રિયા તથા રાજ્યના વિભાગોના એન્યુઅલ કેપેસીટી બિલ્ડીંગ પ્લાનથી પણ તેઓશ્રીને અવગત કરાવવામાં આવેલ. સંસ્થાના ઉક્ત પ્રયાસોની તેઓશ્રીએ સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, કેપેસીટી બિલ્ડીંગ કમિશન ગુજરાત સરકાર તથા સ્પીપાને તેમના કેપેસીટી બિલ્ડીંગને મૂર્તિમંત કરવાના પ્રયાસોમાં પૂર્ણપણે સહકાર આપશે.
