Site icon Time News

કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

 દેશમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ (Cyber Crimes) અને નકલી લોન એપ્સ (Fake Loan Apps) મારફતે થતી છેતરપિંડીને રોકવા માટે કેન્દ્ર સરકારે વ્યાપક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે 30 જૂન, 2026 સુધી નકલી લોન એપ્સ સહિત કુલ 3,718 મોબાઇલ એપ્સ બ્લોક કરવામાં આવી છે. ભાજપના સાંસદ પીસી મોહનના સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ 15.75 લાખથી વધુ સિમ કાર્ડ અને 5.77 લાખ IMEI નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે. 

ગૃહ રાજ્યમંત્રીએ ગૃહને માહિતી આપી કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા સંચાલિત સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) એ નાણાકીય છેતરપિંડી અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. 30 જૂન, 2026 સુધીમાં મળેલી 32.80 લાખથી વધુ ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરીને ₹11,158 કરોડથી વધુ રકમ સાયબર છેતરપિંડી કરનારાઓના હાથમાં જતા બચાવી લેવામાં આવી છે.

શંકાસ્પદ રજિસ્ટ્રી અને મ્યૂલ એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી

સાયબર ગુનેગારોને ઓળખવા અને ગેરકાયદેસર વ્યવહારોને રોકવા માટે I4Cએ 10 સપ્ટેમ્બર, 2024ના રોજ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે મળીને ‘સસ્પેક્સ રજિસ્ટ્રી’ (Suspect Registry) શરૂ કરી છે. 

આ વ્યવસ્થા હેઠળ:

બેન્કો પાસેથી મળેલા 30.48 લાખથી વધુ શંકાસ્પદ ઓળખ ડેટા શેર કરવામાં આવ્યો હતો.
32.08 લાખ લેયર-1 મ્યૂલ એકાઉન્ટ્સ ઓળખવામાં આવ્યા હતા અને નાણાકીય સંસ્થાઓ સાથે વિગતો શેર કરવામાં આવી હતી.
આ દેખરેખ પદ્ધતિની મદદથી 30 જૂન, 2026 સુધીમાં ₹25,698 કરોડના શંકાસ્પદ વ્યવહારોને નકારી કાઢવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી I4C દ્વારા માહિતી ટેકનોલોજી કાયદા 2000ની કલમ 69(A) અને કલમ 79(3)(b) હેઠળ હાથ ધરવામાં આવી હતી. વધુમાં અનધિકૃત ઓનલાઈન સામગ્રી સામે ઝડપી કાર્યવાહી માટે ‘સહયોગ’ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. સરકારે એપ્રિલ 2026થી ‘મની રિસ્ટોરેશન મોડ્યુલ’ ને સંપૂર્ણપણે કાર્યરત કર્યું છે જેથી બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અને ‘ફરિયાદ નિવારણ મોડ્યુલ’ દ્વારા પીડિતોના નાણાંનું ઝડપી રિફંડ સુનિશ્ચિત કરી શકાય.

Exit mobile version