
ભારત સરકારે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને એક કડક નોટિસ ફટકારી છે. પ્લેટફોર્મ પર મોટા પાયે થઈ રહેલી ફિલ્મો, OTT કન્ટેન્ટ અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ મટીરિયલની પાઇરસીને રોકવા માટે સરકારે ટેલિગ્રામને 15 દિવસનો સમય આપ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry) દ્વારા શનિવારે જાહેર કરાયેલી આ નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે, પ્લેટફોર્મે પાઇરેટેડ કન્ટેન્ટને શોધવા, બ્લોક કરવા અને તેને હટાવવા માટે પોતાની સિસ્ટમને વધુ મજબૂત કરવી પડશે.
સરકારની આ એક્શનનો હેતુ ભારતીય ક્રિએટર ઇકોનોમી, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, બ્રોડકાસ્ટર્સ, OTT પ્લેટફોર્મ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સના હિતોનું રક્ષણ કરવાનો છે. આ અગાઉ સરકારે પાઇરેટેડ કન્ટેન્ટ ચલાવતી ૩,૦૦૦ થી વધુ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, મંત્રાલયે હવે સ્પષ્ટ કર્યું છે કે ટેલિગ્રામ માત્ર સરકારના આદેશની રાહ જોઈને બેસી ન શકે. આઈટી એક્ટ 2000 અને આઈટી રૂલ્સ 2021 હેઠળ ટેલિગ્રામ એક મધ્યસ્થી (Intermediary) છે, તેથી તેણે પોતે જ સક્રિય થઈને પાઇરસી રોકવી પડશે. માત્ર એક-એક ચેનલ બંધ કરવાના વલણથી હવે નહીં ચાલે.
રિપીટર્સ, બોટ્સ અને એડમિન્સ વિરુદ્ધ કડક પગલાં
મંત્રાલયે ટેલિગ્રામને એવા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા જણાવ્યું છે જેઓ વારંવાર કૉપિરાઇટના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આમાં આવી પ્રવૃત્તિઓ ચલાવતી ચેનલો, ગ્રૂપ્સ, ઓટોમેટેડ બોટ્સ, એકાઉન્ટ્સ અને તેના એડમિનિસ્ટ્રેટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટેલિગ્રામે પ્રોડ્યુસર્સ, OTT પ્લેટફોર્મ્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ (Law-enforcement agencies) માટે પોતાની ફરિયાદ નિવારણ વ્યવસ્થા (Grievance Redressal System) ની સંપૂર્ણ વિગતો પણ સરકારને આપવી પડશે. મંત્રાલયે યાદ અપાવ્યું છે કે ભારતમાં કૉપિરાઇટ એક્ટ 1957 અને સિનેમેટોગ્રાફ એક્ટ 1952 હેઠળ પાઇરસી એ માત્ર સિવિલ ગુનો નથી પરંતુ ક્રિમિનલ (ગુનાહિત) અફેન્સ છે.
ઉલ્લેખનીય છે કે, પેપર લીકની ઘટનાઓ અને અનિયમિતતાઓને રોકવા માટે સીબીઆઈ (CBI) તપાસ વચ્ચે, કેન્દ્ર સરકારે 21 જૂનની NEET-UG ની પુનઃપરીક્ષા પહેલાં 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર કામચલાઉ પ્રતિબંધ પણ મૂક્યો હતો. આ સરકારી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે પણ 19 જૂનના રોજ માન્ય રાખ્યો હતો. હવે પાઇરસી મામલે ઘેરાયેલા ટેલિગ્રામે 15 દિવસમાં ‘એક્શન ટેકન રિપોર્ટ’ (Action Taken Report) સોંપવો પડશે.
