
BRICS પરંપરાગત અને સ્વદેશી નિદર્શન રમતો (BRICS Traditional and Indigenous Demonstration Games) 2026નું આયોજન સોમવાર, 12 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદ, ગુજરાતના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું.
દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં BRICS દેશોના રમતગમતના વારસા, સાંસ્કૃતિક વિવિધતા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોની ઉજવણી કરવા માટે મહાનુભાવો, વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળો, ખેલાડીઓ, રમત સાથે સંકળાયેલા નિષ્ણાતો, તકનીકી અધિકારીઓ અને સહયોગી સંસ્થાઓ એકત્રિત થયા હતા.
આ રમતોનો શુભારંભ કરાવતા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ રમતગમતનું માળખું વિકસાવવામાં રોકાણ કરીને રમતગમતને રાષ્ટ્રનિર્માણના કેન્દ્રમાં મૂકી રહ્યું છે.કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
૧૦ બ્રિક્સ (BRICS) દેશોના પ્રતિનિધિઓ અને અન્ય ઉપસ્થિતોને સંબોધતા, કેન્દ્રીય રમતગમત મંત્રીએ રમતગમત ક્ષેત્રે સક્ષમ રાષ્ટ્રના નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
તેમણે કહ્યું, “ભારત રાષ્ટ્ર-નિર્માણમાં રમતગમતને કેન્દ્રસ્થાને મૂકી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત મેદાનથી લઈને પોડિયમ (વિજય મંચ) સુધીની તકોનું સર્જન કરીને પોતાની રમતગમતની ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવી રહ્યું છે.”
ડૉ. માંડવિયાએ કહ્યું, “તળિયાના સ્તરે સહભાગિતા, પ્રતિભાની ઓળખ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, માળખાગત સુવિધાઓનો વિકાસ, ખેલાડીઓનું કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય અનુભવ સહિતના સર્વગ્રાહી ‘૩૬૦-ડિગ્રી’ અભિગમ દ્વારા ભારત ભવિષ્ય માટે ટકાઉ રમતગમત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે.”
“આ પરિવર્તનને સમર્થન આપવા માટે, અમે અમારી ‘ખેલો ઈન્ડિયા’ પહેલના ભાગરૂપે લગભગ ૩.૭૬ અબજ યુએસ ડોલરની ફાળવણી કરી છે.”
ડૉ. માંડવિયાએ પરંપરાગત અને દેશી રમતોના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બ્રિક્સ દેશો વચ્ચે સહયોગના ત્રણ વ્યવહારુ ક્ષેત્રોનો પ્રસ્તાવ પણ મૂક્યો.
ડૉ. માંડવિયાએ કહ્યું, “બ્રિક્સની પરંપરાગત અને દેશી રમતો માત્ર રમત કેવી રીતે રમાય છે તે જ નહીં, પરંતુ તેનો ઇતિહાસ, મૂલ્યો અને સાંસ્કૃતિક સંદર્ભ પણ પ્રદર્શિત કરવા માટેનું મંચ પૂરું પાડે છે, જે દરેક પરંપરાને અનોખી બનાવે છે. જેમ જેમ આપણે આ પહેલને આગળ વધારી રહ્યા છીએ, તેમ ભારત સહયોગ માટે ત્રણ વ્યવહારુ ક્ષેત્રોનો પ્રસ્તાવ મૂકે છે.”
“પ્રથમ, આપણે પરંપરાગત અને દેશી રમતોના સ્વૈચ્છિક ‘બ્રિક્સ રિપોઝિટરી’ (સંગ્રહસ્થાન)ના નિર્માણની દિશામાં કામ કરવું જોઈએ, જેમાં તેમનો ઇતિહાસ, સાંસ્કૃતિક મહત્વ, નિયમો, સાધનો અને રમતના મેદાનની જરૂરિયાતોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે.” “બીજું, આપણે BRICS દેશોના ખેલાડીઓ, કોચ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સાંસ્કૃતિક નિષ્ણાતો વચ્ચે પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું જોઈએ,” તેમ કેન્દ્રીય રમતગમત મંત્રીએ આગળ કહ્યું.
“ત્રીજું, આપણે ભવિષ્યની BRICS રમતગમત સ્પર્ધાઓમાં પરંપરાગત અને દેશી રમતોના સમયાંતરે પ્રદર્શનની શક્યતાઓ તપાસવી જોઈએ,” તેમણે ઉમેર્યું.
ડૉ. માંડવિયાએ વધુમાં વર્ણન કર્યું કે કેવી રીતે ભારત ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ (Fit India Movement) દ્વારા રમતગમતને જીવનશૈલી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરી રહ્યું છે.
“ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા, અમે ફિટનેસને જીવનશૈલી તરીકે અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ,” તેમણે કહ્યું.
“અમારા ‘સન્ડેઝ ઓન સાયકલ’ (Sundays on Cycle) અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમાં દર રવિવારે ૩ લાખથી વધુ સ્થળોએ ૫૦ લાખ (૫ મિલિયન)થી વધુ લોકો સાયકલ ચલાવવા માટે જોડાય છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં ‘સન્ડેઝ ઓન સાયકલ’ના ૯૪ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.”
BRICSમાં સામેલ ૧૦ દેશોએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમની વિવિધ દેશી રમતગમત પરંપરાઓનું પ્રદર્શન કર્યું:
બેલારુસ: ગોરોડકી
બોલિવિયા: લુચા ડી ચોલિતાસ, ટિંકુ, રાયુએલા, ટ્રોમ્પો, કાચિનાસ અને કેરેરા ડી સાકોસ
બ્રાઝિલ: ઝારાબટાના (આદિવાસી બ્લોપાઇપ), કોરિડા ડી ટોરાસ (લોગ રેસ), બ્રાઝિલિયન પેરા-જિયુ-જિત્સુ અને કેપોઇરા
ચીન: વુશુ, સિંહ નૃત્ય (Lion Dance) અને હેલ્થ ચીગોંગ (Health Qigong)
ભારત: મલ્લખંભ, યોગાસન, કલારીપયટ્ટુ
ઈરાન: ઝૂરખાનેહ, હફ્ત સંગ અને ઘાનિએહ
કઝાકિસ્તાન: અસિક અતુ, ટોગીઝકુમાલક અને કઝાક કુરેસી
રશિયા: ગોરોડકી અને સામ્બો
દક્ષિણ આફ્રિકા: કગાતી અને ઈન્ટોંગા
યુનાઈટેડ આરબ અમીરાત: અલ તબ્બાહ
આ પ્રદર્શનોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેક્ષકોની સક્રિય ભાગીદારીવાળી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે સહભાગી ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવે BRICS દેશોને તેમની પરંપરાગત રમતોનો ઇતિહાસ, મૂલ્યો, સાંસ્કૃતિક સંદર્ભ અને તેના અભ્યાસ કે પ્રચલન વિશે રજૂઆત કરવા માટે એક સમાન મંચ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમે રમતોનું આધુનિકીકરણ કરવા, સર્વસમાવેશક ભાગીદારીનો વ્યાપ વધારવા અને BRICS પરિવાર વચ્ચે મિત્રતા તથા સહયોગને વધુ ગાઢ બનાવવાની સાથે સાથે સમુદાયના જ્ઞાનને જાળવી રાખવાના મહત્વને પણ દ્રઢ બનાવ્યું હતું.
