
બાળકોથી માંડીને વૃધ્ધોમાં મોબાઈલમાં રીલ્સ વગેરે જોવામાં આખો દિવસ મશગુલ રહેવાનું દૂષણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે અને હવે આ કુટેવ જીવલેણ બની રહી છે. રાજકોટમાં ચંદ્રેશનગર વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીને બપોરે થોડા કલાક માટે મોબાઈલ વાપરવા નહીં મળતા તેણે આત્મહત્યા કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે.માલવિયાનગર પોલીસ મથકના સૂત્રો અનુસાર અહીંના ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતા અને નજીકમાં આવેલી રોયલ સ્કૂલમાં ધો.7માં અભ્યાસ કરતા કિશોરે સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
સામાન્ય સ્થિતિના મૂળ યુ.પી.ના અને ચાર વર્ષથી ચંદ્રેશનગરમાં રહેતા રાકેશભાઈ પાંડેના બે પુત્રોમાં મોટા દિકરો હાથમાં મોબાઈલ આવ્યા પછી તે સતત સ્ક્રીન જોયા રાખતો હતો. જ્યારે તેની આ ટેવ હદ બહાર વધી ગઈ ત્યારે પિતાએ તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા સમજાવ્યો પરંતુ, તે આ ટેવને છોડી ન શક્યો.
આથી કંટાળીને રાકેશભાઈએ ગઈકાલે મોબાઈલનો પાસવર્ડ બદલાવી નાંખ્યો હતો. વિદ્યાર્થીએ મોબાઈલ હાથમાં લીધો પરંતુ, તે પાસવર્ડ વગર ચાલુ નહીં થતા પાસવર્ડ માટે માતા પાસે ખૂબ જીદ પકડી. બાદમાં તેની માતા બપોર બાદ ઘરમાં વાસણ ધોતા હતા ત્યારે હતાશ કિશોરે રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માતા જ્યારે રૂમમાં ગઈ ત્યારે તેમના હોશ ઉડ્યા હતા અને તાત્કિલાક કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો. મૃતકને એક નાનો ભાઈ રૂદ્ર 5 વર્ષનો છે
