
અમદાવાદમાં 12 જૂને ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના બન્ને પાયલવોટો વચ્ચે અંતિમ વાતચીતને લઇને નવો દાવો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે વિમાનના કેપ્ટન સુમીત સભરવાલે એન્જિનોમાં ફ્યૂલનો સપ્લાય રોક્યો હતો.WSJમાં જણાવ્યું કે આ ખુલાસો બન્ને પાયલોટો વચ્ચે વાતચીતની કૉકપિટ રેકોર્ડિંગથી થયો છે.
વોઇસ રેકોર્ડિંગથી ખબર પડે છે કે બોઇંગ વિમાન ઉડાવી રહેલા કો-પાયલોટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમીત સભરવાલને પૂછ્યું, ‘તમે ફ્યૂલ સ્વિચને ‘CUTOFF’ પોઝિશનમાં કેમ કરી દીધી?’સવાલ કરતા સમયે કો-પાયલોટ ચોકી ગયો હતો, તેના અવાજમાં ડર હતો જ્યારે કેપ્ટન સુમીત શાંત જોવા મળ્યો હતો. કેપ્ટન સુમીત સભરવાલ એર ઇન્ડિયા વિમાનનો સીનિયર પાયલોટ હતો, તેની પા સે 15,638 કલાક અને કો-પાયલોટ ક્લાઇવ કુંદર પાસે 3,403 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો.વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનારા અમેરિકન અધિકારીઓની શરૂઆતની તપાસથી પરિચિત લોકોનો હવાલો આપ્યો છે. આ રિપોર્ટ પર ભારતના એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરો (AAIB),DGCA, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, બોઇંગ અથવા એર ઇન્ડિયાની પ્રતિક્રિયા આવી નથી.
આ પહેલા એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઇએ પ્લેન ક્રેશ થવાના એક મહિના પર પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે ફ્યૂલ સ્વિચ અચાનક RUNથી CUTOFF પોઝિશનમાં જતી રહી હતી જેને કારણે બન્ને એન્જિન બંધ થઇ ગયા હતા.
જોકે, રિપોર્ટમાં એમ જણાવવામાં નથી આવ્યું કે ફ્યૂલ સ્વિચ કેવી રીતે બંધ થઇ. AAIBના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કૉકપિટ વોઇસ રેકોર્ડર પર એક પાયલોટને બીજા પાયલોટને એમ કહેતા સાંભળી શકાય છે કે તેને ફ્યૂલ કેમ બંધ કર્યું.બીજા પાયલોટે જવાબ આપ્યો કે તેને આવું નથી કર્યું.
બોઇંગ-787 વિમાનના ફ્યૂલ સ્વિચમાં ખામી નહતી- એર ઇન્ડિયા
એર ઇન્ડિયાએ બોઇંગ-787 સિરીઝના તમામ વિમાનોના ફ્યૂલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લૉકિંગ ફીચરની તપાસ પુરી થવાની જાણકારી આપી હતી. એર લાઇન કંપનીએ પોતાના પાયલોટોને મોકલેલા એક મેસેજમાં જણાવ્યું કે તપાસ દરમિયાન ફ્યૂલ સ્વિચમાં કોઇ ખામી મળી નથી.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટને લઇને પાયલોટોના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ (FIP)એ વાંધો ઉઠાવ્યો હતો. સંગઠને કહ્યું કે પારદર્શી તપાસ વગર પાયલોટો પર દોષનો ટોપલો નાંખવો ઉતાવળભર્યું કામ છે.
FIPએ નિવેદન જાહેર કરી મીડિયા, અધિકારીઓ અને અન્ય લોકોને અપીલ કરી હતી કે તે અધૂરી જાણકારી ફેલાવતા બચે. મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI171 ટેકઓફના 32 સેકન્ડની અંદર જ એક મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે ટકરાઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 સહિત 275 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો, Robert Vadra: રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, હરિયાણા લેન્ડ ડિલ કેસમાં ચાર્જશીટ દાખલ
