
ગુજરાતના ચકચારી 6000 કરોડના BZ કૌભાંડ આચરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે જેલમાં છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અન્ય ગુનામાં ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના સુધી ફરાર રહ્યાં બાદ મહેસાણાથી CID ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. પોન્ઝી સ્કીમ અને રોકાણકારોના પૈસા ડબલ કરવા સહિત અનેક રીતે લોકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠગાઇ આચરી હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત 11 હજારથી વધુ રોકાણકારોએ BZમાં નાણાં રોક્યા છે. 422 કરોડથી વધુનું બેન્ક અને રોકડ હેરાફેરી તપાસ સંસ્થાએ પકડી પાડી હતી.
CID ક્રાઇમની તપાસમાં થયા મોટા ખુલાસા
1) ભૂપેન્દ્રસિંહ ઝાલાની વેબસાઇટમાં રોકાણકારોની એન્ટ્રી મુજબ 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ 422.96 કરોડ મહિને 3% વ્યાજ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપવાનું વચન આપી 11232 રોકાણકારો પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતા.
2) CIDએ કોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી 422.96 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જોકે, રોકાણકારોને 172.59 કરોડ રૂપિયા બાકી આપવાના નીકળ્યા છે.તો આ નાણા ક્યા વાપરવામાં આવ્યા તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવાની બાકી છે.
3) ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને આકર્ષવા માટે BZ સ્કિમમાં એજન્ટોની કમિશન પર નિમણૂક કરી હતી. જો કોઇ એજન્ટ BZમાં રોકાણ કરાવે છે તો તેને 0.5% થી 1 ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. આ એજન્ટોને પાંચ અલગ અલગ લેવલે સેટ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ હરોળના એજન્ટો કરોડો રૂપિયાનું રોકાણ લાવી આપતા હતા.
4) એજન્ટો અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલુ રોકાણની નોંધ એક લેપટોપમાં રાખવામાં આવતી હતી. આ લેપટોપ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડનો મહત્ત્વનો પુરાવો હોઇ આ લેપટોપ કબ્જે કરવા માટે CID ક્રાઇમ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરી હતી.
5) રોકાણકારોને 300 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાવીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.CIDની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, BZ ગ્રુપ દ્વારા 12518 સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા. વેબસાઇટમાં કૂલ 11232 રોકાણકારોની જ એન્ટ્રી છે પરંતુ 1286 જેટલા રોકાણકારોની એન્ટ્રી CID ક્રાઇમને મળી નથી અને તેની નોંધ પણ ક્યાય કરવામાં આવી નથી.એગ્રીમેન્ટમાં લગાડેલા તમામ સ્ટેમ્પ ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લીમીટેડ અને સર્વોદય સહકારી નાગરિક બેંક મોડાસામાંથી મેળવ્યા હતા.
6) ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ સ્ક્રીમમાં 230 જેટલા રોકાણકારોએ 25 લાખથી લઇને 4 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું છે.જોકે, CID ક્રાઇમના હાથે આ રોકાણકારોમાંથી મોટાભાગના રોકાણકારોના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા નથી.CIDને શંકા છે કે આ 230 રોકાણકારોના વ્યવહારો કેશ એટલે કે બ્લેકમાં થયા હોઇ શકે છે.
7) CIDની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ BZ સ્કીમના એજન્ટો અને ઊંચા રોકાણકારોને આઇફોન અને સ્માર્ટવોચ ગિફ્ટ કરી હતી. તપાસમાં CIDને 40 જેટલા ફોનની વિગતો બિલ સહિત મળી આવી છે.
8) BZ સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ માટે રોકાણકારો પાસે એક ફોર્મ ભરાવવામાં આવતું હતું જેમાં રોકાણકારોની તમામ વિગતો દર્શાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી CID ક્રાઇમને આ મામલે કોઇ માહિતી મળી નથી જેને લઇને આવનાર સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે.
