Site icon Time News

અમદાવાદ એરપોર્ટ નજીક વેપારી સાથે લૂંટ, 500 ગ્રામ સોનું અને રોકડ લઈને આરોપીઓ ફરાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના એરપોર્ટ વિસ્તાર નજીક વેપારીને વેપારની વાતચીતના બહાને બોલાવી તેમની સાથે લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં અંદાજે 500 ગ્રામ સોનું અને રોકડ રકમ સહિત કુલ આશરે 64 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદી વેપારીને વેપારના બહાને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક શખ્સોએ તેમને કારમાં બેસાડ્યા અને રસ્તામાં ગળાના ભાગે ઈજા પહોંચાડી તેમની પાસે રહેલું સોનું અને રોકડ લૂંટી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાથી વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ તરફ લૂંટની ઘટના બાદ પીડિત વેપારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. વેપારીઓને પણ અજાણ્યા લોકો સાથે મોટા સોદા કરતા પહેલાં પૂરતી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

Exit mobile version