
સદીઓથી ભારતમાં અનેક તહેવારો, ઉત્સવો, માન્યતાઓ, રિવાજો પ્રમાણે પોતાના પ્રાંત મુજબ આસ્થા પ્રમાણે ઉજવણી થાય છે. દેશમાં શ્રદ્ધા પ્રમાણે ઉજવણી કરવાનો સૌને હક્ક બક્ષેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની ઉજવણીમાં કૌતુક ઉભું કરી, ચમત્કાર યેનકેન ધ્યાનાકર્ષણ કરી શ્રદ્ધાનો માહોલ ઉભો કરી લેભાગુઓ વેપાર સાથે રૂપિયા ખંખેરવાનું એકમાત્ર કારણ બની ગયું છે. તેમાં દશામાઁના નામે મોટો કારોબાર અને પરપ્રાંતિય ભિખારીઓ કમાણી સાથે યેનકેન છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. રાજયમાં શ્રાવણ માસ ઓગસ્ટથી કાર્તિક પૂનમ સુધી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, છેલ્લા ૨૩ વર્ષથી જોરશોર અને ઉન્માદથી દશામાની ઉજવણી થાય છે. તેમાં છેલ્લા વર્ષોમાં દશામાના વ્રતે જે હરણફાળ પ્રગતિ વિવિધ સ્વરૂપે તેમાં ચમત્કાર, વેપારે જે સ્થાન લીધું છે તે વિચારણીય છે. આ વ્રતમાં દશામાની મૂર્તિ તેનું વાહન સાંઢણી, તેના શ્રૃંગાલ, જરૂરી ક્રિયાકાંડના સાધનો, ઉપવાસ, કથાઓની ચોપડીઓ, યુટયુબ ઉપર જે રીતે પ્રચાર ખર્ચ અને વેચાણ થઈ રહ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠશે. ‘મા’ દશામા હંમેશા પૂજનીય માતા શ્રદ્ધાળુઓ અને ધાર્મિક લોકો માટે રહેશે તેમાં શંકા નથી. આદિકાળથી પૂજાય તેમાં ખોટું નથી. શ્રાવણ માસમાં રાજયમાં વ્રતની ઉજવણી ચાલી રહી છે જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલક ભૂઈમા અને લેભાગુઓએ ઉઠાવ્યો છે તેના સર્વેમાં ‘મા’ દશામાના નામે વેપારીઓ ૨૫૦ કરોડનો ધંધો કરશે તેવો જાથાનો પ્રાથમિક અંદાજ છે. રાજયમાં દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત છે. તેમાં પણ ધૂણતી ભૂઈમાઓએ ચમત્કાર કરી લાખોની કમાણી શ્રદ્ધાળુઓના ખિસ્સામાંથી સેરવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલા વ્રતો, દેવ, દેવીઓના પ્રભાવ, શકિત, આરાધના, કથાઓ છે જ તેમાં વર્તમાન સમયે નવા દેવ-દેવીઓ, ચમત્કારિક વ્રતો, કથાઓનો નવા ચળકાટ સાથે જોશભેર ઉમેરો અને પ્રચાર થઈ રહ્યો છે. પુરાણ કથાઓ, સ્તુતિઓ, સ્તવન, શ્લોકો, પ્રાર્થનાઓ અમુક ચાલાક વેપારી શ્રદ્ધાળુઓ જુના શાસ્ત્રમાંથી ઉઠાંતરી કરી નવા રૂપ રંગ, આધુનિક સંગીતમાં ફીટ કરી નવી દેવ-દેવીઓમાં ઉમેરી તેને ફોટો પણ કાલ્પનિક બનાવી ધાર્મિક શ્રદ્ધાળુઓના માથામાં બરાબર ફીટ કરવામાં સફળ થયાં છે.
જાથાના પંડયા જણાવે છે કે એક અંદાજ પ્રમાણે દશામાની વ્રતની કથાઓની ચોપડીઓ રોજની અસંખ્ય વેંચાય છે. ધાર્મિક દુકાનોમાં જથ્થાબંધ વેચાય છે. આ વ્રતની ચોપડીઓ ૨ રૂપિયાથી લઈને ૩૦ રૂપિયા સુધીના ભાવમાં મળે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, કડી, આણંદ, નડીયાદ, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિત જિલ્લાઓમાં ચોપડીઓનું ધૂમ વેચાણ થાય છે તેવું સર્વેમાં છે. વેપારીઓ ભાવમાં ફેરફાર કરે કે તુરંત બીજા અનુસરે છે. સામાન્ય રીતે એક વેપારી ૨૦૦ થી માંડીને ૪૦૦, ૮૦૦, ૧૨૦૦ થી વધુ પુસ્તિકાનું વેચાણ દરરોજનું બતાવે છે. જો તમો બીજાને આ ચોપડી પ્રચાર નહિં કરો તો માતાજીની આફત ગમે તે સ્વરૂપમાં આવે તેવો ભય, પ્રચાર પત્ર દ્વારા પણ અમુક લેભાગુઓ કરે છે. વિજ્ઞાન જાથા લોકોની જીવનપદ્ધતિમાં સુધારો થાય, પોતાના કુટુંબની આવક, સમાજનો વિકાસ, પુરૂષાર્થ, વાસ્તવિક બની, ખુલ્લુ મન રાખી ચિંતન કરી સત્ય સ્વીકારી પોતાનું જીવન સમૃદ્ધ, આનંદદાયક બને તે માટે મિશનથી કામ કરે છે. જેમાં તમામ વર્ગના લોકોનો ટેકો ઈચ્છે છે. આગળ આવવા અનુરોધ કરે છે. પોત-પોતાના ધર્મ-ઉત્સવમાં તર્ક-શંકા કરી બારીકાઈથી નિરીક્ષણ કરી લૂંટાય નહિં, માનસિક પછાત ન બને તે માટે પ્રયત્નશીલ થાય તે માટે જાથા અપીલ કરે છે.
જાથાના ચેરમેન જયંત પંડયા જણાવે છે કે વીસ વર્ષના અનુભવ આધારે દશામાના વ્રત સમયે વધુમાં વધુ કૌતુકોના ફોન માહિતી આવે છે. જેમાં ભૂઈમા, ભુવા, દશામાના સ્થાનકમાં સ્વયંભૂ પ્રાગટય ચિત્ર દર્શન, કંકુ, પગલા થવા, કોઈ વસ્તુમાં દશામા દેખાવા, પરચા સંબંધી તરેહતરેહની હકિકત બહાર આવે છે તેમાં ૧૦૦% ખોટી જાથાએ સાબિત કરી છે. માત્રને માત્ર બનાવો ઉભા કરવો, ગોઠવણ, પ્રચારનો દુરઉપયોગ કરી કમાણી જ નજરમાં આવી છે. દશામાંના નામે ખોટી રીતે ઘુણી છેતરપિંડી કરતી ૯૦૩ ભુઈમાનો પર્દાફાશ કર્યો છે અને ૨૮૦૦ ઢોંગી ભૂઈમાના ધૂણવાના ઢોંગ બંધ કરાવ્યા છે. તે હકીકત ઉપરથી લોકોએ બોધપાઠ લેવાની જરૂર છે. આ વ્રતના કારણે રાજસ્થાન, યુ.પી અને બીજા રાજયોમાંથી દર વર્ષે દશામાના વ્રત સમયે ભિખારીઓનો આવવાનો મોકો મળે છે.
દશામાના વ્રત સમાપ્તે મૂર્તિઓ, તેના વાહન સાંઢણીને પીવાના પાણીમાં પધરાવવામાં આવે છે. તેનો વિરોધ છે. પીવાનું પાણી પ્રદુષિત થશે તો વિશાળ જનસમાજનું આરોગ્ય જોખમાશે. પ્રદુષણનો વિચાર કરી મૂર્તિઓને અમુક સમય એકાંતમાં રાખી ખાતર તરીકે ઉપયોગ લઈ શકાય તે વિચારવા અપીલ છે. પીવાના પાણી, ચેકડેમમાં ન નાખવા અનુરોધ છે. સરકારની જાગૃતતાના પ્રયાસના કારણે પીવાના પાણીમાં મૂર્તિઓ પધરાવવાનું બંધ થયું છે તે સારી બાબત છે.
જાથા માને છે કે માતા-પિતા જ ભગવાન, ગુરૂ છે. ઘરને માનવ મંદિર બનાવવાની જરૂર છે. ધાર્મિક ક્રિયાકાંડો, વ્યર્થ રીત-રિવાજોના ખર્ચાઓ બંધ કરી રાષ્ટ્રીય અને સામાજિક વિકાસને અનુસરીને આ બાબતે ચિંતન કરવાની જરૂર છે. રાજયના ૩૩ જિલ્લાઓમાં સર્વે હાથ ધર્યો છે.
આ પણ વાંચો, Entertainment: માલદિવના દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી કાજલ અગ્રવાલ, આપ્યા ગ્લેમરસ પોઝ
