Site icon Time News

આજથી ગુજરાતના આ શહેરમાં બ્લેકઆઉટ, પાકને જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ 6 મે અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરીને ભારે ખળભળાટ મચાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિવિધિને ધ્યાનમાં રાખીને શુક્રવારે (9 મે) રાત્રે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક ભાગોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં જિલ્લાવ્યાપી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. જ્યારે ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેના સરહદી વિસ્તારમાં કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 8 થી 10 ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને તેની આસપાસના 20 ગામોમાં પણ અંધારપટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરહદ પર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં આગામી આદેશો સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

કચ્છ કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કહ્યું કે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.

Exit mobile version