
2026 ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામો બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક બદલાવ લઈને આવ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ 190 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે મમતા બેનરજીના નેતૃત્વવાળી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 92 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો આ વલણો પરિણામમાં ફેરવાશે, તો તે બંગાળમાં TMC ના 15 વર્ષના લાંબા શાસનનો અંત લાવશે અને પહેલીવાર કમળ ખીલશે. મમતા બેનરજી માટે આ બહુ મોટો ઝટકો છે. બંગાળ જેવા મજબૂત ગઢમાં આટલો મોટો ઉલટફેર અચાનક નથી થયો. ચાલો સમજીએ કે ભાજપે એવા કયા 5 મોટા વચનો આપ્યા અને કેવી રણનીતિ અપનાવી, જેના કારણે સત્તામાં આટલો મોટો ફેરફાર શક્ય બન્યો.
1. ઘૂસણખોરોને બહાર કાઢવાનો મુદ્દો
ભાજપે આ વખતે ચૂંટણીને માત્ર બેઠકોની લડાઈ ન રહેવા દેતા તેને સુરક્ષા સાથે જોડી દીધી. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોના મુદ્દાને ભાજપે પોતાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરોને બહાર કાઢવાનું વચન સીધું લોકોની સુરક્ષા અને તેમના સ્થાનિક અધિકારો સાથે જોડાયેલું હતું, જેણે મતદારો પર જબરદસ્ત અસર કરી.
2. મહિલાઓ અને બેરોજગારોને આર્થિક મદદની ગેરંટી
ચૂંટણીમાં મહિલાઓ અને બેરોજગાર યુવાનોને દર મહિને નાણાકીય સહાય આપવાનું વચન એક ગેમ-ચેન્જર સાબિત થયું. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ બંગાળમાં વધુ સારી રીતે લાગુ કરવાની ખાતરી આપીને ભાજપે ગરીબ અને મધ્યમ વર્ગના વોટબેંક પર પોતાની પકડ ખૂબ જ મજબૂત કરી લીધી.
3. યુપી મોડલ અને કડક કાયદો-વ્યવસ્થા
બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી હિંસા અને ગુનાખોરી લોકો માટે મોટી ચિંતાનો વિષય હતી. ભાજપે બરાબર આ જ નસ દબાવી અને જોરશોરથી વચન આપ્યું કે સરકાર બનતા જ અહીં પણ ‘યુપી મોડલ’ અને કડક કાયદો-વ્યવસ્થા લાગુ કરીશું. આ વાતોએ શહેરી અને મધ્યમ વર્ગના મતદારોને સીધા આકર્ષ્યા.
4. સિન્ડિકેટ રાજનો ખાતમો અને ‘સોનાર બાંગ્લા’ નું સપનું
લાંબા સમયથી સિસ્ટમ અને સિન્ડિકેટ રાજથી ત્રસ્ત જનતાને ભાજપે પારદર્શિતા લાવવાનું અને ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપ્યું. બંધ પડેલા ઉદ્યોગોને ફરીથી ધમધમતા કરવા અને નવા રોકાણો લાવી રોજગારી ઊભી કરવાની વાતોએ યુવાનો અને વેપારીઓને ભાજપ તરફ વાળ્યા. લોકો આ વચનોમાં ‘સોનાર બાંગ્લા’ નું સપનું પૂરું થતું જોઈ રહ્યા હતા.
5. ‘M’ ફેક્ટર અને સામાજિક સમીકરણો
ભાજપે માત્ર વચનો જ ન આપ્યા, પણ સામાજિક સમીકરણો પર પણ બરાબર કામ કર્યું. લગભગ 30 ટકા મુસ્લિમ મતદારો પરંપરાગત રીતે TMC ને જ વોટ આપતા આવ્યા છે, પણ આ વખતે હુમાયુ કબીરની પાર્ટી (AJUP) એ આ વોટબેંકમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કર્યો અને સાથોસાથ ધ્રુવીકરણનો સીધો ફાયદો ભાજપને થયો.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://રાજકારણનો નવો ગેમ ચેન્જર: તમિલનાડુમાં ચમક્યો થલપતિ વિજયનો સિતારો, રાહુલ-સ્ટાલિનનો ઝટકો
