વિધાનસભા સત્ર પહેલા ભાજપ ધારાસભ્યોની બેઠક મળી, તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના

વિધાનસભા સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં પક્ષના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
સત્ર દરમિયાન ગૃહમાં અસરકારક કામગીરી થાય અને સરકારના કાર્યક્રમો સુચારૂ રીતે આગળ વધે તે માટે ધારાસભ્યોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને ગૃહમાં ચર્ચા સમયે વિપક્ષના ઘેરાવ કે આક્ષેપો સામે સંયમિત અને તથ્યાધારિત પ્રતિક્રિયા આપવા સૂચના આપવામાં આવી હતી.
ભાજપ દ્વારા સિંગલ લાઈન વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વના બિલો પર ચર્ચા અને મતદાન સમયે ગેરહાજરી ન રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત બજેટ પર ચર્ચા અને તેના પારિત થવાના પ્રસંગે વિશેષ હાજરી સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો હતો. પક્ષની એકતા અને ગૃહમાં સંકલિત અભિગમ જાળવવા નેતૃત્વ દ્વારા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકને આવનારા સત્ર માટેની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે. જેમાં શાસક પક્ષ વિધાનસભામાં મજબૂત ઉપસ્થિતિ સાથે પોતાની ભૂમિકા નિભાવવાની તૈયારી દર્શાવી રહ્યો છે.