
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ગુજરાતમાં આ વર્ષના અંત સુધી વધુ 4-5 જિલ્લા બને તેવી ચર્ચા છે. આ વચ્ચે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠો તાલુકો બનશે આવું છાતી ઠોકીને કહીને જાવ છું. અત્યાર સુધી જે કામ કર્યું છે દમ મારીને જ કર્યું છે.
વિરમગામના નળકાંઠા વિસ્તારમાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમાર ખંડનું ભૂમિ પૂજન અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બે કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવશે.આ દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, વસ્તી ગણતરી પૂર્ણ થશે ત્યારે જિલ્લાઓ નવા બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. બનાસકાંઠામાં ચાર જિલ્લા બની શકે એવડો મોટો જિલ્લો છે એટલે નાછૂટકે થરાદને જિલ્લો બનાવવો જરૂરી હતો. આપણો વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠો તાલુકો બનશે તેવું છાતી ઠોકીને કહીને જવું છું. જે કર્યું છે તે દમ મારીને કર્યું છે.વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, આટલા વર્ષોથી ચૂંટણી થતી હતી તો કોઇ 5 હજારથી વધુ મતથી જીતતું નહતું. નળકાંઠાના લોકો પણ કામે લાગતા મને 52 હજાર મતથી જીતાડી દીધો.
