
ડેનમાર્કની નોવો નોર્ડિક્સ નામની કંપની પાસે ડાયાબિટિસની બહુ ચર્ચિત દવા ઓઝેમ્પિકની પેટન્ટ હતી. ભારત સહિતના ઘણાં દેશોમાં એની પેટન્ટ એક્સપાયર થઈ છે. આજથી જ આ દવા પેટન્ટ ફ્રી થઈ જતાં હવે અનેક કંપનીઓ તેને લોંચ કરશે અને તેના કારણે અત્યાર સુધી આ દવાના માર્કેટમાં જે મોનોપોલી હતી તેનો અંત આવશે. ૧૦થી ૧૪ હજાર સુધી મહિનાની દવા થતી હતી તે હવે માત્ર 1000 થી 1500 ની થઈ જવાની શક્યતા છે.
ઓઝેમ્પિક બહુ ચર્ચાસ્પદ દવા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેને 2017 માં પરવાનગી આપી પછી તો એ દવા એટલી લોકપ્રિય થઈ ગઈ કે દુનિયાભરમાં એની ચર્ચા હતી. માત્ર ડાયાબિટિસમાં જ નહીં, વજન ઉતારવામાં પણ તે મદદરૂપ બનતી હોવાથી લાખો લોકો તેનું સેવન કરવા લાગ્યા હતા. ઓઝેમ્પિક જીએલપી-1ની કોપી કરીને ટાઈપ-2 ડાયાબિટિસ ઘટાડે છે. જીએલપી-1 એટલે ગ્લુકેગોન-લાઈક પેપ્ટાઈડ-1.
ભારતમાં આ દવા વજન ઘટાડવામાં ઉપયોગમાં લેવાયાનો મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી ચૂક્યો હતો અને હાઈકોર્ટે આ મામલે સરકારનો જવાબ પણ માંગ્યો હતો. જોકે, સત્તાવાર રીતે કંપની તેને ડાયાબિટિસની દવા જ માને છે. તેના વિશે ઘણી માન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે, પરંતુ નિષ્ણાત ડોક્ટર્સની સલાહથી તેના સેવનની ભલામણ કરવામાં આવે છે. કારણ કે ઘણાં દર્દીઓને તેનાથી ઉબકા આવવા, ઉલટી થવી, કબજિયાત, પેટમાં દુખાવો કે ઝાડા થઈ જવાની સાઈડ ઈફેક્ટ થાય છે.
ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થઈ જતાં ભારતમાં લગભગ 42 કંપનીઓ 50 પ્રકારની બાન્ડનેમ સાથે દવા લોંચ કરશે. તેના પરિણામે દવાના ભાવમાં 70 થી 80 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નોવો નોર્ડિક્સની પેટન્ટ ૨૧મી માર્ચે પૂરી થઈ છે, પરંતુ પશ્વિમના દેશોમાં આ કંપનીની દવાનો દબદબો રહ્યો છે. દવાની પેટન્ટ એક્સપાયર થઈ જતાં તેના જેનરિક બંધારણનો માર્ગ મોકળો થયો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ચાણસ્માના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી યથાવત
