Site icon Time News

સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: વેપારીઓ માટે કરોડોનું રાહત પેકેજ, પ્રોપર્ટી ટેક્સમાં મળશે મુક્તિ

તારીખ 6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને લીધે સુરતીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન અને અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં સુરતવાસીઓની વહારે આવીને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાય પેકેજ મંજૂર કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.

રાજ્યમાં ભારે વરસાદને કારણે જે કોમર્શિયલ વિસ્તારોમાં નુકસાન થયું છે, ત્યાં આ સહાય પેકેજ લાગુ કરવામાં આવશે. સુરતમાં ભવિષ્યમાં ફરીથી આવી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ નક્કર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે થેન્નારસનની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ સુરત મોકલવામાં આવી હતી, અને હવે સુરતની ખાડીઓ પરના દબાણો સત્વરે દૂર કરવામાં આવશે. સુરત શહેર માટે સરકારે આગામી ત્રણ વર્ષ માટે વધુ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, આમ સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર થયું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પેકેજ અંગેનો સત્તાવાર પરિપત્ર આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. આમ છતાં, જો કોઈ અસરગ્રસ્તો સહાયથી બાકી રહી જશે, તો સરકાર તેમની રજૂઆતો સાંભળીને સહાય આપવા અંગે સકારાત્મક વિચારણા કરશે.

પૂરના પાણી ઓસરતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સુરતની મુલાકાત લીધી હતી અને નુકસાનીના સર્વે માટેના આદેશો આપ્યા હતા. શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે તમામ વિસ્તારોમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9000થી વધુ સફાઈ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વગર કામગીરી કરી હતી. હર્ષ સંઘવીએ આ કપરા સંજોગોમાં ખડેપગે કામ કરનાર તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

જેમને વીમો નથી મળ્યો, તેમની પડખે સરકાર
રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવતા નિર્ણય કર્યો છે કે જે નાના-મોટા વેપારીઓએ પોતાની દુકાન કે ધંધાનો વીમો (Insurance) લીધો નથી, તેમના વેપાર-ધંધાને ફરી બેઠા કરવા માટે સરકાર મજબૂતાઈથી તેમની સાથે ઊભી રહેશે. અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ્સ અને ઘરવખરીની સહાય ચૂકવી દેવામાં આવી છે.

આર્થિક સહાય પેકેજની જાહેરાત
પૂરની અસર પામેલા નાના લારી-ગલ્લાવાળાથી લઈને મોટા વેપારીઓ માટે સરકારે રોકડ સહાયની જાહેરાત કરી છે. લારી કે રેકડી ધારકો માટે 7500 ની આર્થિક સહાય. 50 ફૂટ સુધીની નાની દુકાનો માટે 50000 ની સહાય અને પાકી/મોટી દુકાનો માટે એક લાખ સુધીની સહાય. (જે વેપારીઓએ GST રિટર્ન ભર્યું છે, તેમના માટે કોઈ મર્યાદા નથી, પાકી દુકાનદીઠ એક લાખની સહાય મળશે.)

રાજ્ય સરકારની વ્યાજ સહાય અને લોન યોજના
વેપારીઓ પોતાનો ધંધો ફરી ધમધમતો કરી શકે તે માટે ૩ વર્ષના સમયગાળા માટે 7% ના દરે વ્યાજ સહાય સાથે લોન આપવાની પણ સરકારે જાહેરાત કરી છે. સાડા સાત લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 20 લાખ સુધીની લોન અને 15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 30 લાખ સુધીની લોન. વેપારીઓ માટે 5 લાખ, 10 લાખ અને 20 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. વેપારીઓએ રોકડ સહાય અથવા વ્યાજ સહાય- આ બેમાંથી કોઈપણ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

સુરત મહાનગરપાલિકાના વેરામાંથી સંપૂર્ણ મુક્તિ, 48 કલાકમાં કામગીરી શરૂ થશે
સુરતીઓ માટે સૌથી મોટી રાહતના સમાચાર આપતા સરકારે જણાવ્યું છે કે, પૂર દરમિયાન જેમના ઘરોમાં કે વ્યાપારી એકમોમાં પાણી ભરાઈ ગયા હતા, તેવા તમામ ઘરો અને દુકાનોને એક વર્ષ માટે સુરત મહાનગરપાલિકાના વેરા (Property Tax) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કલેક્ટર કક્ષાએ આગામી 48 કલાકમાં ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કલેક્ટર દ્વારા આ અંગેની વિગતવાર માર્ગદર્શિક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પશુધન અને ગૌશાળાઓ માટે મહત્વનો નિર્ણય
કેબિનેટ બેઠકમાં માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના હિતમાં પણ એક નિર્ણય લેવાયો છે. રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં પશુધનને કોઈ તકલીફ ન પડે અને ગૌશાળાઓ અટકી ન પડે તે માટે સ્થાનિક કલેક્ટરોને વિશેષ સત્તા આપવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. રાજ્ય સરકારના આ ત્વરિત અને ઐતિહાસિક નિર્ણયોથી સુરતના પૂર પીડિત વેપારીઓ અને નાગરિકોને મોટો ફાયદો મળશે.

Exit mobile version