
અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે.
વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેરકાયદે રીતે PG તરીકે ચલાવવામાં આવી રહ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ PG સંચાલકો પાસે ફરજિયાત ફાયર NOC, પોલીસ વેરિફિકેશન તેમજ સોસાયટી તરફથી મળતું માન્ય લેખિત અનુમતિપત્ર હાજર નહોતું.
આ અંગે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રહેણાંક સોસાયટીમાં PG ચલાવવા માટે તમામ કાયદેસર મંજૂરી અનિવાર્ય છે. આગ સલામતી, સુરક્ષા અને સ્થાનિક નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન થતું જણાતા ત્રણેય PGને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદે ચાલતા PG, હોસ્ટેલ અથવા વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર સંચાલકો સામે દંડ અને કાનૂની પગલાં લેવામાં આવશે.
