
અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનાર એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી ઓનલાઈન મંગાવેલા ફૂડમાં છાશમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયો હતો.
મળતી માહિતી અનુસાર ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ જ્યારે ગ્રાહક છાશ પીવા બેઠો ત્યારે તેમાં વંદો જોવા મળ્યો હતો. આ ઘટના સામે આવતા ગ્રાહક ચોંકી ગયો હતો. આ ઘટના બાદ ફૂડની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ફૂડ માટે પૈસા ચૂકવ્યા બાદ આવી બેદરકારી સામે આવતાં લોકોમાં ભારે રોષ છે. ખાસ કરીને ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતા રેસ્ટોરાં તરફથી આવી ઘટનાએ ગ્રાહકોમાં ચિંતા વધારી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકો હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. આ સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં અને રેસ્ટોરાં તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
