
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા જ ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. 4 મેના રોજ બંગાળની કુલ 294 માંથી માત્ર 293 બેઠકોના જ પરિણામો જાહેર કરવામાં આવશે. દક્ષિણ 24 પરગણા જિલ્લાની ‘ફાલ્ટા’ વિધાનસભા બેઠકના તમામ 285 મતદાન મથકો પર ભારે ગેરરીતિ અને EVM સાથે ચેડાંની ફરિયાદોને પગલે ત્યાં ફરીથી મતદાન (રી-પોલિંગ) યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે EVM પર તેમના કમળના નિશાનને ટેપ મારીને ઢાંકી દેવામાં આવ્યું હતું. આ વિવાદ બાદ હવે ફાલ્ટામાં 21 મેના રોજ ફરીથી વોટિંગ થશે અને તેનું ફાઇનલ પરિણામ 24 મેના રોજ આવશે.
ગઈ 29 એપ્રિલના રોજ જ્યારે ફાલ્ટામાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમુક બૂથ પર રાખવામાં આવેલા EVM મશીનમાં તેમના પક્ષના ચૂંટણી પ્રતીક ‘કમળ’ ને ટેપ લગાવીને છુપાવી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો અને ઘર્ષણ જોવા મળ્યું હતું. ભાજપે તાત્કાલિક ચૂંટણી પંચને આ મામલે કડક પગલાં લેવાની અપીલ કરી હતી. લોકશાહીની પ્રક્રિયામાં આ પ્રકારના ગંભીર વિક્ષેપ અને ચૂંટણીલક્ષી ગુનાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ફાલ્ટા બેઠકના પરિણામો અટકાવી દીધા હતા.
