
દિલ્હી-એનસીઆરમાંથી બધા રખડતા કૂતરાઓને દૂર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સતત દલીલો થઈ રહી છે. તમામ પક્ષોને સાંભળ્યા પછી ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે ‘વચગાળાના સ્ટે’ માટે દાખલ કરાયેલી અરજીઓ પર નિર્ણય અનામત રાખ્યો છે. બેન્ચે નક્કી કરવાનું છે કે દિલ્હી-એનસીઆરમાંથી બધા કૂતરાઓને દૂર કરવાનો બે ન્યાયાધીશોની બેન્ચનો નિર્ણય યથાવત રહેશે કે નહીં.
ન્યાયાધીશ વિક્રમનાથે સુનાવણી દરમિયાન કહ્યું કે, સંસદમાં કાયદા અને નિયમો બને છે, પરંતુ તેનું પાલન થતું નથી. એક તરફ માણસો પીડાઈ રહ્યા છે અને બીજી તરફ પ્રાણી પ્રેમીઓ છે. ન્યાયાધીશ નાથે તમામ પક્ષોને સોગંદનામા અને પુરાવા રજૂ કરવા કહ્યું. ન્યાયાધીશ નાથે કહ્યું કે વચગાળાના સ્ટે માટેની વિનંતી પરનો નિર્ણય હાલ પૂરતો અનામત છે.
સરકારનો પક્ષ રજૂ કરતાં સોલિસિટર જનરલ દુષ્યંત દવેએ કહ્યું કે કેટલાક લોકો ચિકન, ઈંડા વગેરે ખાતા હોય છે અને પાછા પ્રાણીપ્રેમી હોવાનો દાવો કરે છે. આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ લાવવો જોઈએ. બાળકો મરી રહ્યા છે. WHO ના ડેટા દર્શાવે છે કે દર વર્ષે 305 લોકો મૃત્યુ પામે છે, જેમાંથી મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. કોઈ પણ પ્રાણી પ્રત્યે દ્વેષ નથી. સેંકડો પ્રાણીઓમાંથી ફક્ત ચાર જ ઝેરી હોય છે. આપણે તેમને ઘરમાં રાખતા નથી. કૂતરાઓને મારવામાં નહીં આવે પરંતુ તેમને માનવવસ્તીથી અલગ કરવામાં આવશે.
