
બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં તપાસ હવે તેજ બની છે. આ મામલે વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેસ સાથે જોડાયેલા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
મારામારી કેસની તપાસના ભાગરૂપે IG ઓફિસ દ્વારા વધુ બે લોકોને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. SITએ બગદાણાના રામભાઈ વાળા, મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને IG ઓફિસમાં બોલાવીને તેમની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે. બંનેની ભૂમિકા શું હતી અને ઘટનાના દિવસે તેઓ ક્યાં હાજર હતા તે બાબતે તપાસ ચાલી રહી છે.
આ પહેલા પણ આ કેસમાં મુખ્ય ફરિયાદી નવનીત બાલધિયાને IG ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. IG ઓફિસમાં નવનીત બાલધિયાની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT સમગ્ર કેસની દરેક કડીને બારીકીથી તપાસી રહી છે અને કોઈપણ દોષિત બચી ન જાય તે માટે પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પૂછપરછના આધારે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. બગદાણામાં બનેલા આ મારામારીના કેસે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે અને હવે સૌની નજર SITની તપાસ અને આગળ થનારી કાર્યવાહી પર ટકી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત એક ભજનનો કાર્યક્રમ પછી વાયરલ થયેલા એક વિડીયોથી થઈ હતી. જેમાં ગત 24 December ના રોજ મુંબઈના કાંદિવલીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ જાહેરાત કરતી વખતે યોગેશભાઈ સાગર માટે ‘મેનેજિંગ ટ્રસ્ટી’ એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે “બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા માત્ર ટ્રસ્ટીઓ જ છે.” જો કે આ પછી માયાભાઇએ આ અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો એક વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો. જે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
