
સુરતના શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ પ્રશાસને કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનું સ્વાસ્થ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવી ગયું છે. નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે પ્રશાસને સુરતના તમામ 9 ઝોનમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં વ્યાપક તપાસ ઝૂંબેશ હાથ ધરી છે. પાલિકાની આ આક્રમક કામગીરીથી નિયમોનું ઉલ્લંઘન કરતા હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
શહેરના તમામ 9 ઝોનની હોટલ- રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ બાદ 208ને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમના ભંગ બદલ 17 હોટલ- રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી હતી. સઘન ચેકિંગ અને કાર્યવાહી બાદ હોટલોને 4.17 લાખનો દંડ ફટકારાયો હતો. ગુણવત્તા, સ્વચ્છતા અને પ્રમાણપત્રના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી.
ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન આરોગ્યના નિયમો પ્રત્યે ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના 9 ઝોનમાં કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને અન્ય ખામીઓ બદલ 208 એકમોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. તો આરોગ્યના નિયમોનો ગંભીર ભંગ કરનાર 17 હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાયા છે.
ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા આકરા નિર્દેશ
કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણી-પીણીના એકમોને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ જરૂરી ફૂડ લાયસન્સ અને પ્રમાણપત્રોના નિયમોનું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ સઘન રીતે ચાલુ રહેશે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અશોકભાઈ કળસરિયા અને તેમના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે વિસ્તારમાં જ આવેલી ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી પંજાબી જમવાનું (કાજુ અને પનીરનું શાક) ઓર્ડર કર્યું હતું. આ ભોજન લીધા બાદ બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટની વહેલી સવારે અશોકભાઈ અને તેમની એક દીકરીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. શરૂઆતમાં તેમણે સ્થાનિક ક્લિનિકમાં જઈને પ્રાથમિક સારવાર લીધી, પરંતુ તેનાથી કોઈ જ ફરક પડ્યો ન હતો. જોતજોતામાં બપોર સુધીમાં તો પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવા લાગી હતી. સ્થિતિ વધુ બગડતાં ડોક્ટરોની સલાહથી સમગ્ર પરિવારને તાત્કાલિક વરાછાની ‘સદવિચાર હોસ્પિટલ’માં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાએ દમ તોડી દીધો હતો. બાળકીના આકસ્મિક મોતથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં અશોકભાઈ, તેમના પત્ની અને અન્ય બે મોટી દીકરીઓ સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના મેડિકલ રિપોર્ટમાં પણ ફૂડ પોઈઝનિંગ થયાની સ્પષ્ટ પુષ્ટી થઈ છે.
