Site icon Time News

સત્તાધીશો લોકતંત્રને નબળું કરી રહ્યા છે, સંવિધાનના મૂલ્યો બચાવવા જોઇએ : Manoj Sorathia

Manoj Sorathia

Manoj Sorathia News: સુરત ખાતે 77મા પ્રજાસત્તાક દિવસના અવસરે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, શહેર મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ, શહેર મહામંત્રી તુલસી લાલૈયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજે ભારતનો પ્રજાસત્તાક દિવસ માત્ર ઉજવણીનો નહીં પરંતુ આત્મચિંતનનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે સ્વીકાર્યું હતું કે આ દેશ હવે કોઈ એક વ્યક્તિ, કોઈ એક શાસક કે કોઈ એક આધીપત્ય હેઠળ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોની ઈચ્છા અને સંવિધાન મુજબ ચાલશે. તેમણે જણાવ્યું હતું કે આજે, 77 વર્ષ બાદ, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં લોકતંત્ર માટે ગંભીર પડકારો ઊભા થયા છે. લોકતંત્રને બચાવવું અને તેને જીવંત રાખવું આજના સમયની સૌથી મોટી ચેલેન્જ બની ગઈ છે. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, સાચી સ્વતંત્રતા માનસના મનની સ્વતંત્રતા છે. જો મન ગુલામ હોય તો દેહ સ્વતંત્ર હોવા છતાં માનવી ગુલામ જ રહે છે. આજે દેશમાં માણસના મનને ગુલામ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નાગરિકોના અધિકારોને સીમિત કરવાની કોશિશો થઈ રહી છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સામાન્ય નાગરિકનો વિશ્વાસ લોકતંત્રની સંસ્થાઓ પરથી ઊતરતો જાય છે.મીડિયા પર વિશ્વાસ ઘટ્યો છે, ન્યાયપાલિકા પર પણ શંકાઓ ઊભી થઈ રહી છે.

AAP નેતા Manoj Sorathiaએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં જેની લાઠી એની ભેંસ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં થોડાક પસંદગીના લોકોનો અવાજ જ સાંભળવામાં આવે છે, જ્યારે સામાન્ય માણસનો અવાજ દબાઈ જાય છે. પૂજ્ય બાપુએ કહ્યું હતું કે સાચી સ્વતંત્રતા ત્યારે કહેવાય જ્યારે દેશના છેલ્લામાં છેલ્લા નાગરિક,પછાત, વંચિતો સહિત તમામ વ્યક્તિનો અવાજ સાંભળવામાં આવે ત્યારે દેશ સાચા અર્થમાં સ્વતંત્ર થયો કહેવાય. દુર્ભાગ્યવશ આજે સત્તામાં બેઠેલા લોકો સામાન્ય જનતાના અવાજને સાંભળવા માટે પણ તૈયાર નથી. વિપક્ષના અવાજને સહન કરવામાં આવતો નથી.આજે પણ દેશનો સામાન્ય નાગરિક ગરીબી, બેરોજગારી, સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા અને મૂળભૂત સુવિધાઓના અભાવમાં જીવવા મજબૂર છે. વિશ્વ ગુરુ બનવાની વાતો ત્યારે જ સાચી સાબિત થશે જ્યારે દેશનો દરેક નાગરિક શિક્ષિત, સ્વસ્થ, સ્વાવલંબન અને સુરક્ષિત હશે.તેમણે આક્ષેપ કર્યો હતો કે આજની સત્તામાં બેઠેલી ફાસીવાદી લોકોએ દેશને ગુલામ બનાવવાનું કામ કર્યુ છે ત્યારે આજે પ્રજાસત્તાક દિવસે આપણા સૌની જવાબદારી છે કે દેશના લોકોના મન અને સ્વાસ્થ્યમાં સ્વતંત્રતાનો ભાવ જીવંત રહે, દેશમાં લોકતંત્ર મજબૂત બને, એ માટે આપણે સૌએ સતત પ્રયત્નશીલ રહેવું પડશે.

આજે આ દેશમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે. લોકોને એકબીજાની સામે ઉભા કરવા, નફરત ફેલાવવા અને સમાજમાં ભેદભાવ ઊભો કરવાની રીતસરની નીતિ અપનાવવામાં આવી રહી છે. સત્તાની સામે અવાજ ઉઠાવનારા લોકોને દબાવવાનું, તેમને ડરાવવાનું અને જેલમાં નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દેશને ગુલામ બનાવવાની જે કોશિશો અંગ્રેજોએ કરી હતી, તેનાથી પણ વધુ ખતરનાક રીતે આજે દેશને નબળો અને પરાધીન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે આ દેશની અંદર લોકતંત્રિક વ્યવસ્થા જ ચાલશે, સામાન્ય લોકોનું રાજ આવશે, સામાન્ય લોકોનો અવાજ સંભળાશે. જ્યાં સુધી દેશના છેલ્લામાં છેલ્લો નાગરિક વિકાસની યાત્રામાં જોડાતો નહીં થાય, જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો વ્યક્તિ પોતાને સ્વતંત્ર અને સન્માનિત અનુભવ નહીં કરે, ત્યાં સુધી આપણો સંઘર્ષ ચાલુ રહેશે. આજે, પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે, આપણે આનંદ અને ગૌરવ સાથે આ દિવસની ઉજવણી કરીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં દેશની સ્વતંત્રતા, લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સતત પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લઈએ.

Exit mobile version