Site icon Time News

દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ, આરોપીની કરાઈ અટકાયત

 દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિવિલ લાઇન્સ સ્થિત સરકારી નિવાસસ્થાને જન સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેમને અનેક વખત થપ્પડ મારવામાં આવી હતી અને તેમના વાળ પણ પકડવામાં આવ્યા હતા. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર 35 વર્ષનો વ્યક્તિ છે. જાહેર સુનાવણી દરમિયાન તે વ્યક્તિ હાથમાં કેટલાક દસ્તાવેજો લઈને આવ્યો હતો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ હુમલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોઈ શકે છે. આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

હાલમાં પોલીસે આરોપી હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગઇ છે. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં વિગતવાર માહિતી બહાર આવશે.

દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “સાપ્તાહિક જન સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું.” વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે કોઈ મહિલા સાથે આવું કેવી રીતે કરી શકે છે, ખાસ કરીને જ્યારે તે મુખ્યમંત્રી હોય અને 18 કલાક કામ કરતી હોય.”

Exit mobile version