
એશિયન ગેમ્સ 2026માં ભારતે પોતાનું 8મું મેડલ જીતી લીધું છે. ભારતની ઝોળીમાં આ મેડલ શૂટિંગની મહિલા સ્કીટ ઇવેન્ટમાંથી આવ્યો છે. રાઈઝા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પારિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ શાનદાર પ્રદર્શન કર્યું. ત્રણેય શૂટર્સના અચૂક નિશાનના કારણે ભારત બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યું.
આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતને અત્યાર સુધીમાં આ છઠ્ઠો મેડલ મળ્યો છે. એટલે કે ભારતના અત્યાર સુધીના 8 મેડલમાંથી 6 મેડલ ભારતીય શૂટર્સે અપાવ્યા છે.
ભારતની મહિલા સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
હવે સવાલ એ છે કે, રાઈઝા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પારિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ આ કમાલ કેવી રીતે કરી? આઈચી-નાગોયામાં ભારતીય ટીમે મળીને 331 પોઈન્ટ મેળવ્યા, જેના આધારે ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
પારિનાઝ ધાલીવાલ અને રાઈઝા ઢિલ્લોને 111-111 પોઈન્ટ મેળવ્યા, જ્યારે માહેશ્વરી ચૌહાણે 109 પોઈન્ટ મેળવ્યા.ભારતીય ટીમ 331 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે ચીનની ટીમે 357 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. કઝાકિસ્તાનની ટીમે 337 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો.
મહિલા સ્કીટ ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટની ફાઇનલમાં પણ સ્થાન
પારિનાઝ ધાલીવાલ અને રાઈઝા ઢિલ્લોને મહિલા સ્કીટના ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટની ફાઇનલમાં પણ સ્થાન મળ્યું છે. ટીમ ઈવેન્ટના ટોપ-8 શૂટર્સને ઈન્ડિવિજ્યુઅલ ફાઇનલમાં રમવાની તક મળે છે.
પારિનાઝ ધાલીવાલ 8મા સ્થાને રહી હતી, જ્યારે રાઈઝા ઢિલ્લોન 9મા સ્થાને રહી હતી. તેમ છતાં રાઈઝાને ફાઇનલમાં રમવાની તક મળી. તેનું કારણ એ છે કે એક દેશના વધુમાં વધુ બે શૂટર્સ જ ટોપ-8માં સ્થાન મેળવી શકે છે. ચીનના ત્રણ શૂટર્સ ટોપ-8માં હતા. તેથી રાઈઝાને આ નિયમનો લાભ મળ્યો અને 9મા સ્થાને હોવા છતાં તેણે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું.
શૂટિંગમાં ભારતને મળેલા મેડલ
આ પહેલાં ભારતે પુરુષો અને મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ અને ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે 10 મીટર એર રાઇફલના ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
