
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક આભ ફાટવાની કુદરતી આપત્તિ ત્રાટક્યાને હજુ તો અઠવાડિયું પણ નથી થયું ત્યાં હવે કઠુઆમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી મળતી લેટેસ્ટ માહિતી અનુસાર સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 7 લોકોના મોત તથા 6થી વધુ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.
ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને રાહત તથા બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુખ્ય ગામડાઓ સંપર્કવિહોણા થઈ ગયા છે કેમ કે આભ ફાટવાની ઘટનાને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે શનિવાર અને રવિવારે મધરાતે કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં આવેલા જોડ ઘાટી ગામમાં આભ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે ગામ સંપર્કવિહોણું થયું હતું. અહીં લોકોના ઘર, જમીન અને સંપત્તિને મોટાપાયે નુકસાન થયું છે. શરૂઆતમાં તો કોઈ જાનહાનિના અહેવાલ નહોતા પણ પછીથી ચારના મોતની પુષ્ટી થઈ અને છથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી.
