Site icon Time News

 કેજરીવાલની વધુ એક મોટી જાહેરાત, ‘દિલ્હીમાં ભાડૂઆતોને મળશે આ ખાસ લાભ’

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી સંબંધિત વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. પરંતુ દુઃખની વાત છે કે ભાડૂઆતો આનો લાભ લઈ શકતા નથી. પરંતુ હવે ભાડુઆતોને પણ આનો લાભ મળશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યા પછી અમે વધુ એક નવી યોજના લાવીશું, જે અંતર્ગત ભાડૂઆતોને મફત વીજળી અને પાણીનો લાભ પણ મળશે.

મફત વીજળી અને પાણીના મુદ્દે કેજરીવાલે કહ્યું કે, દિલ્હીવાસીઓને 200 યુનિટ મફત વીજળી મળે છે. ૨૦૦થી ૪૦૦ યુનિટ વપરાશ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતોને વિવિધ કારણોસર તેનો લાભ મળી રહ્યો નથી.

કેજરીવાલે કહ્યું કે, અમારી સરકારે નક્કી કર્યું છે કે, ભાડૂઆતો પણ દિલ્હીના રહેવાસી છે, એટલે તેમને પણ મફત વીજળી અને પાણી મળવું જોઈએ. હું જ્યાં પણ જાઉં છું, ભાડૂઆતો અમને ઘેરી લે છે. તેઓ કહે છે કે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાનો લાભ મળે છે. મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ મળે છે. દિલ્હીમાં રહેતા ભાડૂઆતો પણ ડીટીસી બસોમાં મફત સેવા અને વૃદ્ધ યાત્રા યોજનાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમને મફત વીજળી અને પાણીનો લાભ મળી રહ્યો નથી. આ વાત ધ્યાને રાખીને ચૂંટણી પછી અમારી સરકાર ભાડૂઆતોને મફત વીજળી અને પાણી પૂરું પાડશે.

AAP લીડર કેજરીવાલે કહ્યું કે, મોટાભાગના ભાડૂઆતો બિહાર અને પૂર્વી યુપીથી આવે છે. તેઓ દિલ્હીમાં ગરીબીમાં રહે છે. એક બિલ્ડિંગમાં 100 લોકો રહે છે. આટલી ગરીબીમાં પણ તેમને વીજળી અને પાણીની સબસિડીનો લાભ ન મળવાથી તકલીફ પડે છે. હવે બધા ભાડૂઆતોને પણ આ લાભ મળશે.

Exit mobile version