Site icon Time News

બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દે અમિત શાહે જવાબદારી સ્વીકારી, કહ્યું – “બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ”

કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક સાંસદ અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના રહીશો માટે એક વિશેષ ‘લોક દરબાર’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પાણી ભરાવાની વિકટ સમસ્યાઓ સાંભળવાનો અને તેનો કાયમી ઉકેલ લાવવાનો હતો.

બોપલ પંચાયત રોડ પર આવેલી BKM સ્કૂલ ખાતે આ લોક દરબાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદના મેયર, AMC કમિશનર, શહેર પ્રમુખ અને મંત્રી દર્શનાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોધપુર અને બોપલ વોર્ડના રહીશો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ સિઝનમાં પડેલા અસાધારણ 21 ઇંચ વરસાદને કારણે બોપલ, ઘુમા અને આંબલી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. અમિત શાહે સ્વીકાર્યું કે છેલ્લા 50 વર્ષમાં આવો વરસાદ પડ્યો ન હતો, જેથી AMCનું આયોજન ટૂંકું પડ્યું હતું. વરસાદ સમયે લોકોને પડેલી પારાવાર મુશ્કેલીઓ અને તે દરમિયાન પરિવારોમાં થયેલા ઝઘડાઓનો ઉલ્લેખ કરી તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. વરસાદ બાદ તરત જ ન આવી શકવા બદલ અને લોક દરબારમાં મોડા પહોંચવા બદલ તેમણે સ્થાનિકોની માફી માંગી હતી.

સાંસદ તરીકે તમામ જવાબદારી પોતાના શિરે લેતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પાણીના નિકાલની જવાબદારી માત્ર મેયર કે AMC કમિશનરની નથી, પરંતુ તેમની પણ છે. તેમણે દ્રઢ ખાતરી આપતા કહ્યું કે, “જ્યારે હું બીજી વાર મત માંગવા આવીશ, તે પહેલાં 30 ઇંચ વરસાદ પડે તો પણ તમારી સોસાયટીઓ કોરી રહે અને રસ્તા પર પાણી ન ભરાય તેવી પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે.”

વિસ્તારના અન્ય પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા અંગે તેમણે જણાવ્યું કે આંબલી, બોપલ અને શેલા જેવી નવી વસાહતોમાં જાસપુરથી વ્યવસ્થા કરી આગામી 6 મહિનામાં નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ગ્રામ પંચાયતમાંથી આ વિસ્તાર AMCમાં ભળ્યા બાદ અહીં વ્યાપક વિકાસ થયો છે અને સરખેજ-જોધપુર વિસ્તારમાં અગાઉ જે સલામતીના પ્રશ્નો હતા તે પણ સંપૂર્ણપણે ઉકેલાયા છે.

તેમણે રહીશોને હૈયાધારણ આપતા જૂની કહેવત ટાંકી કે, “મોસાળમાં જમવાનું અને મા પીરસનાર હોય તો તકલીફ ન પડે.” રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક તંત્ર આ વિસ્તારના પ્રશ્નો માટે ગંભીર છે. ભવિષ્યમાં તમામ સોસાયટીના ચેરમેનો સાથે મીટિંગ કરવાની ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકોને કોઈ પણ સમસ્યા કે રજૂઆત હોય તો સીધો તેમની ઓફિસે પત્ર લખીને જાણ કરી શકે છે, જેથી સત્વરે તેનો ઉકેલ લાવી શકાય.

Exit mobile version