
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, જ્યાં તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારે 10:00 વાગ્યે, તેઓ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે સ્થિત દક્ષિણ-પશ્ચિમ ઝોન કાર્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં ‘ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા’ હેઠળ વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોને ઇન્ટરલિંક કરવા અને તેમના નવીનીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં ખાસ કરીને એસજી હાઇવેના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, અધિકારીઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા માણસા નગરપાલિકામાં તળાવો, હોસ્પિટલો અને અન્ય જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી અપેક્ષા છે.
આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 16 મેના રોજ, તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. મતવિસ્તારમાં સરકારી હોસ્પિટલોની કામગીરી અને અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટના કાર્યની સમીક્ષા કરવા માટે ખાસ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચલાવવામાં આવી રહેલા અનોખા અભિયાન “રમશે બાળક – ખિલેશે બાળક”હેઠળ રમકડા સંગ્રહ અભિયાનના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત, તેઓ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિધાનસભા મતવિસ્તારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે અને તેમની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે.
તેમની મુલાકાતના બીજા દિવસે, અમિત શાહ અમદાવાદના ત્રાગડમાં ગણેશ હાઉસિંગ દ્વારા બનાવવામાં આવેલ “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક”નું ઉદ્ઘાટન કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલામાં મધુર ડેરી દ્વારા બનાવવામાં આવેલ અત્યાધુનિક 5,૦૦,૦૦૦ લિટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ઇન્ફોસિટી ખાતે NIDના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC)નું ઉદ્ઘાટન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
