
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લગ્ન નોંધણી સર્ટિફિકેટમાં નવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યભરમાં દરેક જગ્યાએ લગ્ન પ્રમાણપત્રમાં માત્ર તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો, પરંતુ તેમાં વર-કન્યાના ફોટા આવતા નહોતા. પરંતુ AMC દ્વારા હવે દંપત્તિને ફોટોગ્રાફ અને QR કોડ સાથે લગ્ન સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં મેયર, ધારાસભ્યો અને અધિકારીઓની હાજરીમાં ગુજરાતનું પ્રથમ ડિજિટલ અને ફોટાવાળું લગ્નનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં અત્યાર સુધી ફોટા વગરના મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેનાથી ક્યારેક કોઈ સરકારી કામમાં મુશ્કેલી પણ થતી હતી. હવે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આજથી QR કોડ અને ફોટા સાથેનું લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા અંગે વાત કરતા AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે આ નવી વ્યવસ્થાથી લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિ અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલો QR કોડ સ્કેન કરી જાણી શકાશે કે આ સર્ટિફિકેટ અસલી છે કે નકલી. તેમણે જણાવ્યું કે લગ્ન નોંધણી માટે દંપતિએ ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવામાં આવશે, ત્યારબાદ અરજદાર અનુકૂળ સમય પસંદ કરી ઓફિસમાંથી સર્ટિફિકેટ મેળવી શકશે.
અત્યાર સુધી લગ્ન સર્ટિફિકેટ માટે કચેરીએ જઈ વિવિધ દસ્તાવેજો આપવાની જરૂર પડતી હતી. પરંતુ હવે મનપાએ ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. અરજદારોએ તમામ દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવા પડશે, ત્યારબાદ તે દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ અરજદારને એસએમએસ દ્વારા જાણકરવામાં આવશે. ત્યારબાદ અરજદારે ઓનલાઈન પોતાને અનુકૂળ હોય તેવો સમય બુક કરવો પડશે. જે સ્લોટ બુક કર્યો હોય તે સમજે કચેરીએ જવું પડશે, ત્યાં તેમની ઓનલાઈન સહી અને ફોટોગ્રાફ લેવામાં આવશે અને સર્ટિફિકેટ પ્રિન્ટ થશે. ત્યારબાદ અરજદારને QR કોડ અને ફોટોગ્રાફ સાથેનું સર્ટિફિકેટ મળી જશે.
