
આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતગમતની ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટેરા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીના મુખ્ય માર્ગ પર દબાણરૂપ કોમર્શિયલ મિલકતોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં આ વિસ્તારનો રોડ 18 મીટરનો છે, જેને વિસ્તૃત કરીને 61 ફૂટનો કરવામાં આવશે. આ રોડલાઈનના અમલીકરણમાં આવતી કોમર્શિયલ મિલકતોને AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. અંદાજે 50 થી 70 થી વધુ કોમર્શિયલ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીનો વિસ્તાર ક્લિયર કરવામાં આવશે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશન ઝડપથી પૂર્ણ કરવા માટે 2 થી વધુ JCB અને અન્ય આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન મોટેરા ડી-માર્ટથી સાબરમતી જનપથ તરફ આવતો રોડ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો.
AMC એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર રોડલાઈનના અમલમાં આવતી કોમર્શિયલ મિલકતો જ તોડી પાડવામાં આવી રહી છે. રહેણાંક મિલકતોના ડિમોલિશન અંગે હાલ પૂરતું કોઈ પગલું લેવામાં આવ્યું નથી.
પોલીસ બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થા
કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલિશન સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. AMCના અધિકારીઓની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે આ કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. આ મેગા ડિમોલિશનથી મોટેરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને ભવિષ્યમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય રમતો માટે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મદદ મળશે.
