Site icon Time News

અંબાલાલ પટેલની તારીખો સાથે નવી આગાહી: એક-બે નહીં ચાર-ચાર વરસાદી સિસ્ટમ, થોડી રાહ જુઓ આવી રહ્યો છે વરસાદ

ચોમાસું ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદે ગુજરાતમાંથી જાણે રજા લઈ લીધી હોય તેવો માહોલ છે. ખેડૂતોની નજર આકાશ પર છે.  ખેતરો વરસાદની રાહ જોઈ રહ્યા છે  ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ 23થી 31 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યારે જુઓ આ ખાસ અહેવાલ…

વાદળો આવે છે પરંતુ વરસતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આવું જ દૃશ્ય જોવા મળી રહ્યું છે. ક્યાંક તડકો  તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવે સારા સમાચાર છે. કારણ કે રાજ્યના આકાશમાં એક નહીં, બે નહીં પરંતુ ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

હવામાન વિભાગે કહ્યું કે, મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

7 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે

જો વરસાદના આંકડાની વાત કરીએ તો પહેલી જૂનથી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં કુલ 511 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 530 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે હાલ ગુજરાતમાં અંદાજે ચાર ટકાની વરસાદની ઘટ નોંધાઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ પડે તો આ ખાધ પણ ઘટી શકે છે…

બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમના અનુમાન પ્રમાણે 23થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે. ખાસ કરીને 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

શું કહ્યું અંબાલાલે? 

એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ આગાહીકારનું અનુમાન બંને વરસાદ તરફ ઈશારો કરી રહ્યા છે. હવે ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતની નજર આકાશ પર છે કારણ કે જો મેઘરાજા મન મૂકીને વરસે. તો માત્ર વરસાદની ખાધ જ નહીં પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ ફરી ખુશીના વાદળો છવાઈ શકે છે.

Exit mobile version