અમદાવાદમાં સોલામાં બહેન સાથેના પ્રેમસંબંધમાં પિતરાઈ ભાઈએ યુવકને પગમાં ગોળી મારી

અમદાવાદ ના સોલા વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને થયેલી અદાવત હિંસક વળાંક પર પહોંચી છે. ઉગતી બંગલો ચાર રસ્તા નજીક એક યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આરોપી મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે અગાઉ બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ સમાધાન થવા છતાં આરોપી મનમાં અદાવત રાખી બેઠો હતો. આ જૂના વિવાદે જ અંતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
15 ફેબ્રુઆરીના રોજ બંને યુવકો અમદાવાદમાં હાજર હતા અને ચાણક્યપુરી વિસ્તારમાં તેમની મુલાકાત થઈ હતી. શરૂઆતમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી પરંતુ થોડા સમયમાં જ વાતચીત ઉગ્ર બની ગઈ. બોલાચાલી દરમિયાન મોન્ટુ દેસાઈએ પોતાના પાસે રહેલી રિવોલ્વર કાઢી અને પાટણના યુવકના પગમાં ગોળી મારી દીધી. ગોળી વાગતા યુવક જમીન પર ઢળી પડ્યો અને આસપાસ હાહાકાર મચી ગયો.
ગોળી વાગતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ થઈ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તબીબોની દેખરેખ હેઠળ છે. પ્રાથમિક જાણકારી અનુસાર યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.