
ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ એટલે ખેલૈયાઓ માટે અનહદ ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. પરંતુ અમદાવાદ શહેરમાં કેટલાક આયોજકો લોકોના જીવ અને પૈસા સાથે ગંભીર રમત રમી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શહેરના સોલા વિસ્તારમાં જાણીતા ગાયક જીગરદાન ગઢવીના ‘સાંચી નવરાત્રિ’ નામે યોજાઈ રહેલા ગરબા હાલમાં ભારે વિવાદનું કેન્દ્ર બન્યા છે. રાતના 9 વાગ્યા છતાં ખેલૈયાઓને એન્ટ્રી ન મળતા ગેટ પાસે ભારે હોબાળો મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આયોજકો દ્વારા હજુ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. આ ગંભીર બેદરકારીના કારણે પોલીસ દ્વારા ગરબા યોજવા માટેની અંતિમ પરવાનગી આપવામાં આવી નથી.
પોલીસની મંજૂરી ન મળવાને કારણે ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મોંઘા ભાવના સીઝન પાસ લઈને આવેલા હજારો ખેલૈયાઓ કલાકોથી ગેટની બહાર ઊભા રહીને એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે.
આટલો સમય વીતી જવા છતાં આયોજકો કે બાઉન્સર તરફથી ખેલૈયાઓને એન્ટ્રી બાબતે કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ આયોજકો વિરુદ્ધ ભારે નારેબાજી અને હોબાળો શરૂ કરી દીધો છે.
જીવના જોખમે ભીડ અને તંત્રનું 4 વાગ્યાનું અલ્ટીમેટમ
આ સમગ્ર વિવાદની શરૂઆત ગઈકાલથી જ થઈ ગઈ હતી. પ્રથમ નોરતે જ આયોજકો પાસે ફાયર વિભાગની જરૂરી મંજૂરી ન હોવા છતાં, બંધ એસી (AC) ડોમમાં હજારો લોકોની ભીડ ભેગી કરવામાં આવી હતી.
આવા બંધ અને સાંકડા ડોમમાં જો આગ લાગવા જેવી કોઈ નાની દુર્ઘટના પણ ઘટે, તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા રહેલી છે. મોડે મોડેથી ફાયર વિભાગની મંજૂરી તો મળી ગઈ, પરંતુ સુરક્ષાના અન્ય માપદંડો હજુ અધૂરા છે.
આ મામલે તંત્રએ આયોજકોને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ કાયદાકીય મંજૂરીઓ મેળવી લેવાની કડક સૂચના આપી હતી. પરંતુ આયોજકો તેમાં નિષ્ફળ રહેતા આજે નવરાત્રિના આયોજન પર મોટું ગ્રહણ લાગી ગયું છે.
સોલા પોલીસ અને આયોજકોની ભૂમિકા સામે સવાલો
ખુદ આયોજકોએ પણ હવે સ્વીકારી લીધું છે કે તેમની પાસે પોલીસની ફાઇનલ મંજૂરી નથી. લાખો રૂપિયાના પાસ વેચી માર્યા પછી હવે આયોજકોએ જાણે પોતાના હાથ ખંખેરી લીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ઘટનામાં સ્થાનિક સોલા પોલીસની કામગીરી પણ ભારે શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગઈકાલે ફાયર સેફ્ટી વિના જ હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા ત્યારે પોલીસે માત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો કેમ જોયો તે મોટો પ્રશ્ન છે.
