Site icon Time News

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

 અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવાર-સવારમાં શરૂ થયેલા વરસાદના કારણે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ, વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની ચિંતા વધી ગઈ છે.

ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણોદેવી, વેજલપુર તેમજ ગાંધીનગર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. જ્યારે શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.

સવારના સમયે વરસાદી ધુમ્મસ અને ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઘટી ગઈ હતી. સવારે ઓફિસ અને શાળાએ જતા લોકો માટે વાહન ચલાવવું જોખમી બન્યું હતું. અકસ્માત નિવારવા માટે વાહનચાલકોને દિવસના સમયે પણ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. અગાઉના ધોધમાર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી ચૂકેલા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જો આગામી કલાકોમાં આ જ રીતે ધોધમાર વરસાદ ચાલુ રહેશે, તો નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની પૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 6 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 41 થી 61 kmph ની ઝડપે ફુંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.

Exit mobile version