
કાલુપુર વિસ્તારનું પાંચકુવા રેવડી બજાર શહેરના સૌથી વ્યસ્ત અને વેપારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તારોમાં ગણાય છે. અહીં કાપડની દુકાનોનો વિશાળ જથ્થો હોવાથી બજાર હંમેશા લોકોની ભીડથી ભરેલું રહે છે. આજે અચાનક એક દુકાનમાં આગ લાગતા જ આગ ઝડપથી ફેલાઈ અને આસપાસની 5થી વધુ દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઊઠતા લોકોમાં ગભરાટ ફેલાયો અને વેપારીઓએ પોતાના માલસામાનને બચાવવા દોડધામ શરૂ કરી.
ઘટનાની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 9થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સતત પાણીના મારો અને સાવચેતીપૂર્વકની કામગીરી દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આગના કારણે દુકાનોમાં રાખેલો કાપડ અને અન્ય માલસામાન બળી જતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતી જગ્યાએ હોવાથી મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવે છે. જેના કારણે નુકસાનનું પ્રમાણ વધુ હોવાની ભીતિ છે.
હાલ આગ કેવી રીતે લાગી તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલો તપાસ હેઠળ રાખવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ કારણોથી આગ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી આગના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ઈન્દોર બાદ દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડ, 5 માળની બિલ્ડિંગમાં આગ લાગતાં બાળકો સહિત 7ના મોત
