
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ હવે સાણંદના મોટી દેવતી ગામ નજીક દીપડાની હાજરીના પુરાવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. વન વિભાગને ગામ પાસે દીપડાના પગના નિશાન (ફૂટ પ્રિન્ટ) મળી આવતા તાત્કાલિક ધોરણે પાંજરા ગોઠવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદના શહેરી અને ગ્રામ્ય સીમાડા વિસ્તારોમાં હિંસક વન્યજીવોની અવરજવર વધી રહી છે. બોપલ અને ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના અહેવાલો બાદ હવે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામના સીમ વિસ્તારમાં સ્થાનિકોએ શંકાસ્પદ પશુ અને તેના પગના નિશાન જોયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ અને શૂટિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે મળી આવેલા પગના નિશાન દીપડાના જ છે. આ ઘટનાને પગલે વન વિભાગે સંભવિત માર્ગો પર તાત્કાલિક પાંજરા ગોઠવીને માસ માંસના ટુકડા મૂકી દીપડાને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરી છે. વન વિભાગે સ્થાનિક લોકોને સોશિયલ મીડિયા પર અસત્ય, અફવાઓ ન ફેલાવવા અને રાત્રિના સમયે કામ વગર ઘરની બહાર એકલા ન નીકળવા માટે ખાસ સલાહ આપી છે.
સાણંદ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વન વિભાગની ટીમ દ્વારા દીપડો જલ્દીથી પાંજરે પુરાય તે માટે નાઇટ વિઝન કેમેરા અને ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ હલચલ દેખાય તો તરત જ કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કર્યો છે.
