Site icon Time News

સાવધાન! હૃદયરોગ અને બીપીની દવા લેતાં પહેલાં 10 વખત વિચારજો, અમદાવાદમાં ઝડપાયું નકલી દવાઓનું મોટું નેટવર્ક! પોલીસે 3 ને દબોચ્યા

હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરની બોગસ દવાઓ બજારમાં ઘુસાડવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉથી સંચાલિત આ નેટવર્કમાં સામેલ અમદાવાદના એક વેપારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે વધુ કમિશન અને ડિસ્કાઉન્ટની લાલચ આપીને રિટેલર્સ મારફતે દર્દીઓના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર સ્થિત ‘જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ’ દ્વારા ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની હૃદયરોગ અને બીપી માટે વપરાતી જાણીતી દવા ‘નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી’ (Nicardia Retard 10mg)નું લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાણ થઈ રહ્યું છે. ફરિયાદના આધારે અધિકારીઓએ ડમી ગ્રાહક મોકલીને દવાનું સેમ્પલ મેળવ્યું હતું. તપાસ દરમિયાન બેચ નંબર મેચ ન થતાં અલગ-અલગ સ્થળે દરોડા પાડીને બોગસ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ અંગે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા આ નેટવર્ક દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આશરે 2700 જેટલી નકલી દવાઓની સ્ટ્રીપ્સ સપ્લાય કરવામાં આવી ચૂકી છે. લખનઉથી ખરીદાયેલી આ નકલી દવામાંથી અમદાવાદની પારસ ઇકો મેડિકલમાં 900, અશોર હેલ્થકેરમાં 900, ગ્લોબલ ફાર્મામાં 200, અરિહંત મેડિકલમાં 60 અને ગિરીરાજ હેલ્થકેરમાં 50 સ્ટ્રીપ્સ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત મૈસૂરની રક્ષા એસોસિએટ્સમાં 200 સ્ટ્રીપ્સ સહિત સુરત, ભાવનગર, ભુજ અને નડિયાદમાં પણ જથ્થો મોકલાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ કેસમાં અમદાવાદની પાર્શ્વ એજન્સીના દર્શિલ ગિરીશભાઈ સંઘવી તેમજ લખનઉના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. લખનઉના બંને આરોપીઓ કમિશન મેળવીને ગુજરાતમાં નકલી દવાઓ સપ્લાય કરતા હતા. આ બંને આરોપીઓ અગાઉ મહારાષ્ટ્રના પુણેમાં પણ નકલી દવા વેચવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. નકલી દવાનું ઉત્પાદન કરતી મુખ્ય ફેક્ટરી સુધી પહોંચવા પોલીસની ત્રણ ટીમો અન્ય રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે દવામાં રીટેલ માર્જિન 20 ટકા અને હોલસેલ માર્જિન 10 ટકા હોય છે. પરંતુ આરોપી વેપારીઓને 18 ટકાથી વધુનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. મૂળ 112.90 રૂપિયાની એમઆરપી ધરાવતી 10 ટેબ્લેટની સ્ટ્રીપ પર ઊંચી લાલચ આપીને કૌભાંડ આચરવામાં આવતું હતું.

આરોગ્ય નિષ્ણાતોના મતે, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગના દર્દીઓ માટે આવી બનાવટી દવાઓ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં જરૂરી સક્રિય ઘટકો (એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ) હોતા નથી. એફડીસીએ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દવા ખરીદતી વખતે પાકું બિલ અવશ્ય લેવું અને પેકિંગ પરનું પ્રિન્ટિંગ ચકાસવું. અસલી ‘નિકાર્ડિયા’ દવાની સ્ટ્રીપ પર બેચ નંબર અને એક્સપાયરી ડેટનું સ્ટીરિયો પ્રિન્ટિંગ 3 લાઈનમાં હોય છે, જ્યારે નકલી દવામાં તે 2 લાઈનમાં જોવા મળ્યું હતું. કોઈ પણ શંકાસ્પદ દવાની જાણ તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવા જણાવાયું છે.

Exit mobile version