Site icon Time News

અમદાવાદના SG હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટના: 32 માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે વ્હાલું કર્યું મોત! આખી રાત ડેડબોડી લટકતી રહી…

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટી અને છારોડી તળાવ સામે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન ‘ટ્રેમોન્ટ એડલીપ’ નામની 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગની ટોચ પર આવેલી ક્રેન સાથે લટકીને એક યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. અંદાજે 300 ફૂટથી વધુ ઊંચાઈએ ક્રેન સાથે મજૂરનો મૃતદેહ લટકતો જોઈને આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

સ્થાનિકો અને આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ સવારે આશરે 8 વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે પણ યુવક ક્રેન પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવકે મોડી રાત્રે જ આ ખૌફનાક પગલું ભર્યું હતું, જેના કારણે કલાકો સુધી તેનો મૃતદેહ અદ્ધર લટકતો રહ્યો હતો. મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 32મા માળે અને અંદાજે 300 ફૂટની અત્યંત જોખમી ઊંચાઈએ બોડી લટકતી હોવાથી તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને નીચે લાવવાની કામગીરી પૂર્ણ ઝડપે ચાલુ રાખવામાં આવી છે.

સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ
યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવકની ઓળખ મેળવી જિંદગી ટૂંકાવવા પાછળનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. હાલ બોડીને નીચે ઉતરવાની પ્રક્રિયા ચાલી રહી છે. યુવકે શા માટે મોતને વ્હાલું કર્યું તેની તપાસ કરવામાં આવશે.

Exit mobile version