
અમદાવાદ અને ગાંધીનગરના લોકોને લાંબા સમયના વિરામ બાદ આખરે વરસાદની ઠંડકનો અનુભવ થયો છે. શનિવારે 15 ઓગસ્ટની સાંજે અમદાવાદના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. ખાસ કરીને આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ, બોપલ, ઘુમા અને વેજલપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, વાડજ, ઈન્કમટેક્સ અને અખબારનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ વરસતા શહેરીજનોએ ફરી એકવાર ચોમાસાની ઋતુની મજા માણી હતી. બીજી તરફ, પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. શહેરના વિવિધ વિસ્તારોની સાથે વાવોલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આજે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 66 તાલુકાઓમાં 1 મિમીથી લઈને 20 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના અંબિકા તેમજ વલસાડના પારડી અને નાનાપોઢામાં પણ વરસાદ વરસ્યો છે.
16 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટની શક્યતા જોતા હવામાન વિભાગે માછીમારોને 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપી છે.
