
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાને લઈને શહેરમાં સુરક્ષા અને ધાર્મિક તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રથયાત્રા રૂટ પર સુરક્ષા તપાસ તેજ બની છે, તો બીજી તરફ 25 વર્ષ બાદ વાસણ શેરીમાં ભગવાન જગન્નાથના મામેરાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથનું 25 વર્ષ બાદ વાસણ શેરીમાં આવેલા તેમના અસલ જૂના મોસાળે ‘મામેરું’ યોજાશે. વાસણ શેરી સ્થિત રણછોડરાય મંદિરમાં ભક્તોએ આસ્થા અને ઉમંગ સાથે મામેરાના દર્શન કર્યા હતા.
ભગવાનને ચાંદીનું સુદર્શન ચક્ર, મોરલી અને હળ અર્પણ કરવામાં આવશે, જ્યારે કલાત્મક વાઘા, અલંકાર અને પાર્વતી શણગાર પણ ભણેજોને અર્પણ કરાશે. આગામી બે દિવસ સુધી વાસણ શેરીમાં મામેરાના દર્શનનો લાભ ભક્તો લઈ શકશે.
