
પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાતના બાવન લાખથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૦મા હપ્તા હેઠળ કુલ રૂ. ૧૧૧૮ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભોના વિતરણ માટેનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના પીરાણા તીર્થધામ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી સમગ્ર દેશમાં યોજાયેલા આવા કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં આયોજિત કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. અમદાવાદ જીલ્લાના કુલ- ૧,૭૪,૫૩૦ ખેડુતોને કુલ રૂ. ૩૭.૭૪ કરોડ જેટલી માતબર રકમ સીધા તેમણે ખાતામાં જમા કરવામાં આવી છે.
અમદાવાદના પીરાણામાં આ પ્રસંગે, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પીરાણા ખાતે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા છેવાડાના નાગરિકો અને ખેડૂતોના કલ્યાણની ચિંતા કરી અનેક વિકાસ કાર્યો હાથ ધર્યા છે. તેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ખેડૂતોના જીવન નિર્વાહ સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળ, કોઈપણ વચેટિયા વગર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આઝાદી પછી પ્રથમ વાર દેશમાં સહકારિતા વિભાગ શરૂ થયો છે. તેમણે અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રે અનેક ક્રાંતિકારી સુધારાઓ કર્યા છે, જેણે ખેડૂતો માટે એક નવી ક્રાંતિ સ્થાપી છે. આજે ગામની સહકારી મંડળીઓ દ્વારા ૨૨ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ‘ડ્રોન દીદી’ જેવા પ્રોજેક્ટ્સ થકી ગ્રામીણ મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે.
આ પ્રસંગે, આત્મા પ્રોજેક્ટના નિયામક કે. કે. પટેલે સ્વાગત પ્રવચન આપીને સૌને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ, દસક્રોઈ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો, Ahmedabad: ઓગસ્ટ માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
